જસદણ ખાતે વૃદ્ધ પેન્શન, વિધવા સહાય યોજના, નિરાધાર મહિલાઓમાટે આર્થિક સહાય અર્થે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની હાજરીમાં કેમ્પ યોજાયો: મહાનુભાવોના હસ્તે ૨૫૪ વિધવા મહિલાઓને પેન્શન મંજુરીના હુકમો અપાયા
જસદણ ખાતે પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઇ બાવળિયાની ઉપસ્થિતિમાં આયોજિત વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર તથા વિધવા મહિલાઓની આર્થિક સહાય અર્થે આયોજિત કેમ્પમાં મંત્રીએ જણાવ્યું હતું કે વૃદ્ધ, વિધવા અને નિરાધાર મહિલાઓ સમાજમાં સ્વમાનભેર જીવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. તેનો લાભ સર્વે મહિલાઓને મળી રહે તે માટે આ પ્રકારના કેમ્પનું આયોજન રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે કરવામાં આવે છે.
મંત્રી બાવળીયાએ વિશેષમાં જણાવ્યું હતું કે જરૂરિયાતમંદોને તમામ પ્રકારની સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને એક જ સ્થળેથી તેમને જરૂરી દાખલા પણ મળી રહે તે માટે આ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મંત્રી કુવરજીભાઈ બાવળીયા તેમજ મહાનુભાવોના હસ્તે ૨૫૪મહિલાઓને વૃદ્ધ પેન્શન યોજના અન્વયે હુકમ એનાયત કરવામાં આવ્યા હતા આ તકે મંત્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ તેમજ તલાટી મંત્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારી બરાસરા એ વિધવા સહાય પેન્શન યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ યેાજના અન્વયે પતિના મૃત્યુનો દાખલો, આધારકાર્ડ તેમજ રાશનકાર્ડનો દાખલો રજુ કર્યેથી મામલતદાર કચેરી ખાતેથી હુકમ તૈયાર કરી આપવામાં આવે છે. જે હુકમ પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવવા માટે આપવાનો રહેશે. ત્યારબાદ૨૧ દિવસની અંદર પોસ્ટ ઓફિસમાં ખોલાવેલા ખાતાની પાસબુક હેડ પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાથી તે જ મહિના થી વિધવા મહિલાઓને પેન્શનની રૂપિયા ૧૨૫૦ની રકમ તેમના ખાતામાં જમા થઈ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓને પેન્શનઅગાઉ ચૂકવાતા પ્રતિમાસ રૂપિયા ૧૦૦૦ને બદલે હવેથી રૂ.૧૨૫૦/- ચુકવવામાં આવશે.
આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ રામાણી, અગ્રણી રવજીભાઈ અરૂણભાઇ તેમજ પ્રાંત અધિકારી ડો. મેહુલ બરાસરા, મામલતદાર ધાનાણી, નાયબ મામલતદાર મકવાણા, ઝાલા, તાલુકા સેવાસદનના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.