કેન્દ્ર સરકાર દ્વારા મેન્યુઅલ ફોર ડ્રાઉટ મેનેજમેન્ટ તૈયાર કરાતા જુની પઘ્ધતિ કેન્સલ
સ્વરાજ અભિયાન વિરુઘ્ધ યુનિયન ઓફ ઈન્ડિયામાં સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ ડાયરેકશનના આધારે ભારત સરકાર દ્વારા દુષ્કાળ નિર્ધારણ માટે વૈજ્ઞાનિક/ સેટેલાઈટ બેઈઝડ ડેટા તથા આ સંબંધે લક્ષ્યમાં લેવા પાત્ર થતા વિવિધ પરીણામો અને માપદંડો આધારીત દુષ્કાળ નિર્ધારણની તબકકાવાર પ્રક્રિયા નિર્દિષ્ટ કરતી મેન્યુઅલ ફોર ડ્રાઉટ મેનેજમેન્ટ-૨૦૧૬ તૈયાર કરવામાં આવેલ છે. ભારત સરકારનાં કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રાલય દ્વારા ૨૦૧૭ થી મેન્યુઅલ ફોર ડ્રાઉટ મેનેજમેન્ટ ૨૦૧૬ની અમલવારી ફરજીયાત કરવામાં આવેલ છે.
ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ મેન્યુઅલ ફોર ડ્રાઉટ મેનેજમેન્ટ ૨૦૧૬માં નિર્દિષ્ટ દુષ્કાળ નિર્ધારણની પ્રક્રિયા પૂર્વે રાજયમાં આનાવારી આધારીત અછતની સ્થિતિનાં નિર્ધારણની પ્રક્રિયા અમલમાં હતી. મહેસુલ વિભાગ દ્વારા રાજયમાં આનાવારીની પ્રક્રિયા કરવામાં આવતી હતી. ભારત સરકાર દ્વારા ઉપર ઉલ્લેખ કર્યા મુજબની વિગતે હવે દુષ્કાળ નિર્ધારણની પ્રક્રિયા મેન્યુઅલ ફોર ડ્રાઉટ મેનેજમેન્ટ-૨૦૧૬ મુજબ ફરજીયાત રીતે કરવાની થતી હોય તથા દુષ્કાળ નિર્ધારણની પ્રક્રિયામાં હવે આનાવારીની ભૂમિકા રહેતી નથી. જેથી હવે આ વિભાગ દ્વારા દુષ્કાળ નિર્ધારણની પ્રક્રિયા માટે આનાવારી પ્રક્રિયા ચાલુ રાખવા માટેની આવશ્યકતા જણાતી ન હોય, દુષ્કાળ નિર્ધારણની પ્રક્રિયા માટે આ વિભાગ દ્વારા કરવામાં આવતી આનાવારી ચાલુ ન રાખવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.
મહેસુલ વિભાગનાં રાહત પ્રભાગ દ્વારા રાજયમાં દુષ્કાળ નિર્ધારણ માટે વિભાગનાં ઠરાવોથી નિયત થયેલ આનાવારી પ્રક્રિયા આ ઠરાવની તારીખ પછીથી બંધ કરવાનું આથી ઠરાવવામાં આવ્યું છે. આ ઠરાવ અમલમાં આવતા દુષ્કાળ નિર્ધારણ સંદર્ભે આનાવારી કરવા તથા આનાવારી પ્રક્રિયા સંબંધેના આ વિભાગ દ્વારા કરવામાં આવેલ તમામ ઠરાવો આ ઠરાવની તારીખથી બિનઅમલી થશે.