જૂનાગઢનાં જોષીપરા રેલવે ફાટક પર ઓવરબ્રિજ બને તે માટે રાજ્ય સરકારે જરૂરી જમીનની મંજૂરી આપી દેતા હવે જોષીપરા અવર બ્રિજ બનવા માટેની મોટા ભાગની ચિંતા દૂર થઈ છે. જો કે હજુ રેલવે તંત્ર દ્વારા જરૂરી જમીનની મંજૂરી અપાઇ નથી ત્યારે આ બાબતે હવે જૂનાગઢના સાંસદ થોડી વધુ મહેનત કરવી પડશે અને તેના ફળ સ્વરૂપ જૂનાગઢ જોષીપરાની રેલવે ફાટક દૂર થઈ ત્યાં નવો ઓવરબ્રિજ બનશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગત તા. ૨૭ ના રોજ જૂનાગઢની જોષીપરા ફાટક દૂર કરવા માટે જરૂરી ૧૧૯૦ ચોરસ મીટરની જમીન આપવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે, અને આ માટે જે તે વિભાગના અધિકારીઓને આ જમીન વહેલી તકે સુપ્રત થાય તે માટે કાર્યવાહી કરવા સૂચના પણ કરી દેવામાં આવી છે, જે સમાચાર જોષીપરા વિસ્તારના અને જુનાગઢ શહેરના લોકો માટે એક આનંદની બાબતો બની છે.
અત્રે નોંધનીય છે કે આ અગાઉ માર્ગ-મકાન જિલ્લા પંચાયતની જમીન પણ આ ફાટક દૂર કરવા માટે જરૂરી હતી, જે ત્રણેક મહિના અગાઉ જિલ્લા પંચાયતે જનરલ બોર્ડમાં એક ઠરાવ કરી આ જમીન ઓવરબ્રિજ માટે સુપ્રત કરી હતી, ત્યારબાદ રાજ્યના માર્ગ અને મકાન વિભાગની જરૂરી જમીન નીતીનભાઇ પટેલ દ્વારા મંજૂર કરાતા હવે માત્ર રેલવે તરફની જે જમીન જરૂરી છે તેના માટે આ કામગીરી હજુ ખોરવાઈ તેવું જણાઈ રહ્યું છે.
જોષીપરા રેલવે ફાટક દૂર કરવા માટે રેલવે વિભાગની પણ અમુક જમીન જરૂરી છે, પરંતુ રેલવે વિભાગ દ્વારા જરૂરી જમીનની મંજૂરી આપવામાં આવી નથી, જેના લઈને એ જમીન પર જે ફાઉન્ડેશન કરવાના છે, તે માટે જમીનની ઘનતા માપવાની જે કામગીરી કરવાની હોય તે પણ હાલમાં અધુરી રહેવા પામી છે.
જો કે રેલવે વિભાગની મંજૂરી લેવા માટે કેન્દ્ર સરકારની ઉતાવળ અને જૂનાગઢ સાંસદની થોડી મહેનત જરૂર હોય, ત્યારે જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા દ્વારા આ બાબતે તાત્કાલિક અંગત રસ દાખવી રેલવે તરફથી જે જરૂરી જમીન છે તેની મંજૂરી લેવામાં આવે તેવું જૂનાગઢના નગરવાસીઓ ઇચ્છી રહ્યા છે. જો કે એક વાત મુજબ વેસ્ટન રેલ્વેના મેનેજર દર ત્રણ મહિને જૂનાગઢ ખાતે મીટીંગ યોજતા હોય છે અને તેમાં જૂનાગઢ જિલ્લાના ધારાસભ્ય તથા સંસદ સભ્ય ઉપસ્થિત રહેતા હોય છે પરંતુ જાણવા મળેલી વિગતો અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી જૂનાગઢના સાંસદ એક પણ મિટિંગમાં હાજર રહ્યા નથી ત્યારે હવે પછીની મિટિંગમાં જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહે અને આ બાબતે રેલવેની જમીન બાબતે મંજૂરી માટે જે પણ કાર્યવાહી કરવાની થતી હોય તે માટે યોગ્ય પગલા ભરાવે તેવી જૂનાગઢવાસીઓ સાંસદ તરફ હવે મીટ મંડાઇ છે.