રાજય પશુપાલન ખાતા અને કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસો.દ્વારા ત્રણ દિવસીય આયોજન
શણગારેલા અશ્વ, કાઠિયાવાડી વછેરો–વછેરી, રેવાલ ચાલ, અશ્વ સવાર કૌશલ્ય પ્રદર્શન સહિતના આયોજનો આકર્ષણ જમાવશે
જસદણમાં રાજયકક્ષાનો કાઠિયાવાડી અને મારવાડી ઘોડાનો અદભુત આયોજન એટલે અશ્વ-શો તા.૧ થી ૩ માર્ચ સુધી ચાલનાર છે. જસદણમાં આ બીજી વખત અશ્વ-શો યોજાઈ રહ્યો છે ત્યારે અશ્વ પાલનના શોખીનો માટે ખુશીની વાત છે કે જસદણમાં યોજાનારા આ અશ્વ-શોમાં શણગારેલા અશ્વ, કાઠિયાવાડી વછેરો-વછેરી, રેવાલ ચાલ, અશ્વ સવારી, કૌશલ્ય પ્રદર્શન અને ગરો રમત જેવા વિશેષ આકર્ષણો અશ્વપ્રેમીઓના દિલ જીતી લેશે.
સમગ્ર અશ્વ-શોનું આયોજન રાજય સરકારના પશુપાલન વિભાગ અને કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસીએશન દ્વારા કરવામાં આવ્યું છે. આ અશ્ર્વ-શોમાં અંદાજે ૩૦૦થી વધુ અશ્વ જોડાશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક અશ્વપાલકોએ આજરોજ સુધીમાં જસદણ ખાતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અશ્વ-શોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને વિવિધ કેટેગરી અંતર્ગત રૂ.૭ હજારથી લઈ ૨૫ હજાર સુધીના રોકડ ઈનામો, સર્ટીફીકેટો અને ટ્રોફીની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત ભાગ લેનાર સ્પર્ધકોને મોમેન્ટો અને સર્ટીફીકેટ દ્વારા બિરદાવવામાં આવશે. આ તકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિતના સંતો-મહંતો,માજી રાજવીઓ અને આગેવાનો ઉપસ્થિત રહેશે. અશ્વ-શોને કારણે લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખીય છે કે આ પૂર્વે પણ જસદણમાં અશ્વશોનું આયોજન કરવામાં આવ્યું હતું. જસદણ રાજવી પરીવારના અશ્વો ખુબ જ પ્રખ્યાત છે અને જસદણના માજી રાજવી સત્યજીતકુમાર ખાચર કાઠિયાવાડી અશ્વઅંગે ખુબ જ સારું જ્ઞાન ધરાવે છે. સમગ્ર આયોજન જસદણના વિંછીયા રોડ ખાતે સવારે ૮ વાગ્યાથી કરવામાં આવશે.૩ દિવસ સુધી ચાલનારા અ મોટી સંખ્યામાં પાણીદાર અશ્વો અને તેની ગતિ તપાસવામાં આવશે.