ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા ભરૂચ ખાતે યોજાઇ રીવ્યુ બેઠક
દેશના ૧૦૦ સ્માર્ટ સીટીમાં ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદનો સમાવેશ કરી એરિયા બેઝ વિકાસના કામો કરાશે
ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના નેતૃત્વવાળી નિર્ણાયક ભાજપા સરકારને ચાર વર્ષમાં ૧પ૦૦ થી વધુ જનહિત લક્ષી નિર્ણય થકે રાજય સરકારે વિકાસની નવી દિશાઓ ખોલી છે ત્યારે ગુજરાતનાં સર્વગ્રાહી વિકાસ સાથે ગુજરાત આજે રહેવા લાયક બન્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપા સરકાર દ્વારા છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધાઓની સાથો સાથ માળખાકીય સુવિધાઓ મળે તેવા આશયથી ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો પુરતા પ્રમાણમાં ઉ૫યોગ થાય અને વિશાળ માર્ગો, પીવાનું શુઘ્ધ પાણી, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, બાગ-બગીચા, ફેલાયઓવર જેવા વિકાસ કાર્યોથી ગુજરાતના શહેરો સ્માર્ટ બને અને તે માટે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા આ દિશામાં સર્વ સમાવેશક વિકાસની યોજનાઓ અમલમાં મૂકી છે. ત્યારે સુરત ઝોનનાં ૬ જીલ્લા જેમાં તાપી, નર્મદા, નવસારી, ભરૂચ, વલસાડ અને સુરત જીલ્લાની કુલ મળી ૧૯ નગરપાલિકાઓ જેમાં વ્યારા, સોનગઢ, રાજપીપળા, નવસારી, વિજલપોર, બીલમોરા, ગણદેવી, ભરૂચ, અંકલેશ્ર્વર: જંબુસર, આમોદ, વલસાડ, વાપી, પારડી, ધરમપુર, ઉમરગામ, બારડોલી, માંડવી, તરસાડી અને કળોદરા નગરપાલિકાઓના પદાધિકારી તથા અધિકારીઓની ઝોન બેઠક ભરુચ ખાતે મળી હતી.
ચેરમેન ધનસુખ ભંડેરી બોર્ડના સી.ઇ.ઓ. પટ્ટણી, પ્રાદેશિક કમિશ્નર ક્ષીપ્રાબેન અગ્રે, ભરુચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા સહિતનાએ ઉ૫સ્થીત રહી દીપ પ્રાગટય કરી બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ બેઠકની વ્યવસ્થા સુરત ચીફ ઓફીસર પારસ મકવાણા, ભરુચ નગરપાલિકાના ચીફ ઓફીસર જતીનભાઇ સોની, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના નટુભાઇ દરજી, ભાવિનભાઇ સહિતના અધિકારીઓ ઉ૫સ્થિત રહી આ રીવ્યુ બેઠકની વ્યવસ્થા સંભાળી હતી.
આ અંતર્ગત વધુ માહીતી આપતા ભંડેરીએ જણાવ્યું હતુ કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા ગુજરાતના નગરો અને મહાનગરો સ્વચ્છ અને સુંદર બનાવવા ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવેલ છે. ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજયની ૮ મહાનગરપાલિકા અને ૧પ૬ નગરપાલિકામાં ડોર-ટુ ડોર કચરો એકત્ર કરી તેનું સેગ્રીગેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે ત્યારે દેશના ૧૦૦ સ્માર્ટ સીટીમાં રાજયની પ્રગતિશીલ સરકારે કરેલા વિકાસ કાર્યો થકી રાજયના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદને સ્માર્ટ સીટીમાં સમાવેશ કરી સ્માર્ટ સીટી મિશન અંતર્ગત એરીયા બેઝ વિકાસના કામો હાથ ધરવામાં આવેલ છે.
ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા રીવ્યુ બેઠક અને સેમીનારોનું આયોજન કરી નગરપાલિકાઓને ફાળવવામાં આવેલ ગ્રાન્ટ જેમાં મુખ્યમંત્રી સ્વર્ણીય જયંતિ વિકાસ યોજના, આગવી ઓળખના કામો ૧૪મી નાણાપંચની ગ્રાન્ટ, ભૂગર્ભ ગટર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પીવાના પાણીની યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, સુરક્ષા યોજના સહિતની સુવિધાઓ અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. અને આગામી સમયમાં યોજાનાર ચુંટણીઓ પૂર્વે ગ્રાન્ટનો પુરતા પ્રમાણમાં ઉપયોગ થાય અને ઝડપથી નગરપાલિકાઓમાં વિકાસ કામોનું આયોજન અને અમલીકરણ થાય તે સુનિશ્ર્ચિત કરવા માટે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયનાં ૬ પ્રાદેશીક ઝોનના અધિકારીઓ સાથે દર મહિને સમીક્ષા બેઠકનું આયોજન પણ કરવામાં આવે છે. ત્યારે ઝડપભેર વિકાસ કામોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી ફાળવવામાં આવેલ ગ્રાન્ટથી યોજનાના તમામ વિકાસ કામો પૂર્ણ થાય તે અંગે બેઠકમાં ઉ૫સ્થિત પદાધિકારી તથા અધિકારી અને માર્ગદર્શન આપ્યું હતું.