- ભાજપ હાઈકમાન્ડ દ્વારા દેશના 29 રાજયોમાં પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી માટે સંગઠન ચૂંટણી અધિકારીઓની કરાય નિયૂક્તી: ભૂપેન્દ્ર યાદવ આવતા સપ્તાહે ગુજરાત આવશે
ભાજપ દ્વારા હાલ દેશભરમાં સંગઠન સંરચનાની કામગીરી ચાલી રહી છે. ગુજરાત સહિત દેશના અલગ અલગ 29 પ્રદેશોમાં અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી માટે સંગઠન ચૂંટણી અધિકારીઓની વરણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના ‘નાથ’ નકકી કરવાની જવાબદારી ગુજરાત ભાજપના પૂર્વ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે. જયારે રાજસ્થાન બીજેપીનું ભાવિ ઘડવાની મહત્વપૂર્ણ જવાબદારી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સોંપવામાં આવી છે. આવતા સપ્તાહે ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે આવશે. આગામી 26મી જાન્યુઆરીમાં પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર કરી દેવામાં આવશે.
સંગઠન પર્વ 2024-25 અંતર્ગત દેશના અલગ અગલ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ભાજપના પ્રમુખ નકકી કરવા માટે સંગઠન ચૂંટણી અધિકારીની નિયુકતી કરવામાં આવી છે. અગાઉ ગુજરાત ભાજપના રાષ્ટ્રીય પ્રભારી તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ગુજરાતના ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. તેઓ પ્રદેશ પ્રમુખની સાથે રાજય સરકારના મંત્રી મંડળના વિસ્તરણની કામગીરી પણ કરે તેવી સંભાવના જણાય રહી છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી નકકી કરવા માટે વિજયભાઈ રૂપાણીને નિરીક્ષક તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોપાયા બાદ રાજસ્થાનમાં ભાજપનું ભાવિ ઘડવાની જવાબદારી પણ આપવામાં આવી છે. વિજયભાઈ રૂપાણીને રાજસ્થાન ભાજપના સંગઠન ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે.
અંદમાન-નિકોબારના ચૂંટણી અધિકારી તરીકે શ્રીમતી તમિલિસાંઈ સુંદર રાજનની, આંધ્રપ્રદેશના સંગઠન ચૂંટણી અધિકારી તરીકે સાસંદ પી.સી.મોહન, અરૂણાચલ પ્રદેશના ચૂંટણી અધિકારી તરીકે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ, અસના ચૂંટણી અધિકારી તરીકે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, બિહારના ચૂંટણી અધિકારી તરીકે કેન્દ્રીય મંત્રી તરીકે મનોહરલાલ ખટ્ટર, ચંદીગઢના ચૂંટણી અધિકારી તરીકે રાષ્ટ્રીય મંત્રી સરદાર નરિંદરસિંહ રૈના, છતીસગઢના ચૂંટણી અધિકારી તરીકે વિનોદ તાવડે, દાદરા અને નગર હવેલી દમન-દિવના ચૂંટણી અધિકારી તરીકે રાષ્ટ્રીય મહામંત્રી ડો. રાધા મોહનદાસ અગ્રવાલ, ગોવાના ચૂંટણી અધિકારી તરીકે સુનિલ બંસલ, હરિયાણાના ચૂંટણી અધિકારી તરીકે અરૂણસિંહ, હિમાચલ પ્રદેશના ચૂંટણી અધિકારી તરીકે ડો. જીતેન્દ્રસિંહ જમ્મુ-કાશ્મીરના ચૂંટણી અધિકારી તરીકે સંજય ભાટીયા, કર્ણાટકના ચૂંટણી અધિકારી તરીકે શિવરાજસિંહ ચૌહાણ, કેરળના ચૂંટણી અધિકારી તરીકે પ્રહલાદ જોશી, લદાખના ચૂંટણી અધિકારી તરીકે જયરામ ઠાકુર, લક્ષ્યદ્વિપના ચૂંટણી અધિકારી તરીકે રાધાકૃષ્ણન, મધ્યપ્રદેશના ચૂંટણી અધિકારી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનની વરણી કરવામાં આવી છે.
જયારે મેઘાલયના ચૂંટણી અધિકારી તરીકે જોર્જ કુરિયન, મિઝોરમના ચૂંટણી અધિકારી તરીકે વાનતિ શ્રીનિવાસન, નાગાલેન્ડના ચૂંટણી અધિકારી તરીકે વી.મુરલીધરન ઓડિશાના ચૂંટણી અધિકારી તરીકે ડો. સંજય જયસ્વાલ, પોંડીચેરીના ચૂંટણી અધિકારી તરીકે તરૂણ ચુઘ, રાજસ્થાનના ચૂંટણી અધિકારી તરીકે વિજયભાઈ રૂપાણી, સિકકીમના ચૂંટણી અધિકારી તરીકે કિરણ રિજીજૂ, તામીલનાડુના ચૂંટણી અધિકારી તરીકે જી. કિશન રેડ્ડી, તેેલંગાણાના ચૂંટણી અધિકારી તરીકે કુમારી શોભા કરદલાજે, ત્રિપુરાના ચૂંટણી અધિકારી તરીકે જૂઅલ ઓરામ અને ઉતર પ્રદેશના ચૂંટણી અધિકારી તરીકે પિયુષ ગોયલની નિયુકત કરવામાં આવી છે. આગામી મંગળવારે ગુજરાત ભાજપનાં સંગઠન ચૂંટણી અધિકારી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે આવે તેવી સંભાવના જણાય રહી છે.
મહારાષ્ટ્રના નિરિક્ષક બાદ વિજયભાઈને બીજીવાર મોટી જવાબદારી
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત મહાયુતીને શાનદાર સફળતા મળ્યા બાદ મુખ્યમંત્રી નકકી કરવાને લઈ કોંકડુ ગુંચવાયું હતુ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ નકકી કરવાની મહત્વપૂર્ણ જવાબદારી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સોંપવામાં આવી હતી. તેઓની મહારાષ્ટ્રના નિરિક્ષક તરીકે નિયુકતી કરવામાં આવી હતી. દરમિયાન વિજયભાઈને ફરી એકવાર ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેઓને રાજસ્થાનના સંગઠન ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે.