આગામી વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે
વિવિધક્ષેત્રના ભાજપ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન
આઠ વિધાનસભા બેઠકોની આગામી પેટાચૂંટણીના સંદર્ભમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજરોજ લીંબડી અને મોરબી વિધાનસભા ક્ષેત્રનો ચૂંટણી પ્રવાસ યોજી વિવિધ શ્રેણીના ભાજપા કાર્યકર્તાઓ સાથે બેઠક કરી તેમને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે લીંબડી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર કિરીટસિંહ રાણાના સમર્થનમાં લીંબડી ખાતે જિલ્લા પંચાયત સીટ અને શક્તિકેન્દ્રના ઇન્ચાર્જઓ સાથેની બેઠકને સંબોધી હતી અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. બેઠક પૂર્વે ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા સાયલા તાલુકાના ચોરવિરા ગામના સ્વ. રઘુભાઈ બાવળિયા દેશસેવા કાજે શહીદ થતા બે મિનિટનું મૌન પાળી પાટીલ સહિત ઉપસ્થિત સૌએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
લીંબડી ખાતેની બેઠક બાદ સી.આર.પાટીલે મોરબી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર બ્રીજેશભાઈ મેરજાના સમર્થનમાં મોરબી ખાતેની ચૂંટણી વ્યવસ્થાની બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ છેલ્લા ૨૫ વર્ષથી જનતાના અપાર સ્નેહ અને આશીર્વાદના પરિણામે ભાજપા સરકાર સમાજ સેવામાં કાર્યરત છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ વિકાસની પરંપરા સુપેરે આગળ વધી રહી છે. જેના પરિણામે ગુજરાત દેશમાં તમામ મોરચે અગ્રેસર રહ્યું છે. કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ અને કરેલી કામગીરીનું ભાથું લઈને આપણે સૌએ લોકો વચ્ચે જવાનું છે. આપ તમામ કાર્યકર્તાઓની મહેનત અને આયોજન જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે લીંબડી વિધાનસભા સીટ ઉપર ભાજપાના ઉમેદવાર કિરીટસિંહ રાણા તથા મોરબી વિધાનસભા સીટ ઉપર ભાજપાના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજા પ્રચંડ બહુમતીથી વિજયી બનશે તેમ પાટિલે અંતમાં જણાવ્યું હતું.
લીંબડી ખાતે યોજાયેલી આજની આ બેઠકમાં રાજ્ય સરકારના મંત્રી અને લીંબડી વિધાનસભા સીટના ઇન્ચાર્જ આર.સી.ફળદુ, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, લીંબડી વિધાનસભા સીટના ઇન્ચાર્જ અને પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી, લીંબડી વિધાનસભા સીટના ઉમેદવાર કિરીટસિંહ રાણા, સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના ધારાસભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી ખાતેની બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, રાજ્ય સરકારના મંત્રી અને મોરબી વિધાનસભા સીટના પ્રદેશ ઇન્ચાર્જ સૌરભભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને મોરબી વિધાનસભા સીટના પ્રદેશ ઇન્ચાર્જ આઇ. કે. જાડેજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્યઓ,તાલુકા અને શહેર ભાજપ પ્રમુખ /મહામંત્રીઓ નગરપાલિકાના સદસ્યો, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને ભાજપા સંગઠનના અપેક્ષિત શ્રેણીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.