સિન્થેટિક ડાયમંડના ઉદ્યોગકારોને એસબીઆઈ ટર્મ લોન સાથે વર્કિંગ કેપિટલમાં સહાયરૂપ બનશે
સુરતના હીરાના વેપારીઓ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે ત્યારે હવે સિન્થેટિક ડાયમંડ નું ચલણ દિન પ્રતિદિન વધી રહ્યું છે અને હીરાના વેપારીઓનો લેબગ્રોન ડાયમંડ તરફ ઝુકાવ વધ્યો છે. ત્યારે આ વાતને ધ્યાને લઈ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નવી નીતિ સાથે સિન્થેટિક હીરાના વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. માહિતી મુજબ એસબીઆઇ આ તમામ હીરાના વેપારીઓને મશીન ઈમ્પોર્ટ કરવા માટે ટર્મ લોન આપશે એટલું જ નહીં તેમના વર્કિંગ કેપિટલમાં પણ તેઓ સહભાગી બનશે જેથી હીરાના વ્યાપારીઓને આર્થિક કોઈ પ્રશ્ન ઉભો ન થાય.
અન્ય ડાયમંડની સરખામણી જો સિન્થેટિક સાથે કરવામાં આવે 30 થી 40 ટકા ભાવ નીચે આવતો હોય છે. જે માન્યતા મળવી જોઈએ તે હજુ સુધી મળી નથી ત્યારે સિન્થેટિક ડાયમંડનું ચલણ દિન પ્રતિદિન વધતા હવે સરકાર પણ આ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને એસબીઆઈ દ્વારા હીરાના વેપારીઓને આર્થિક સહાય આપવા માટેનો નિર્ણય પણ લીધો છે.
સુરત સહિત જ્યાં હીરાના વ્યાપાર થઈ રહ્યા છે ત્યારે પેન્ડેમિકના કારણે માંગમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ સિન્થેટિક ડાયમંડ ની માંગમાં દિનપ્રતિદિન અને ઉતરોતર વધારો થઈ રહ્યો છે જે સૂચવે છે કે આવનારા સમયમાં સિન્થેટિક ડાયમંડ નું ભવિષ્ય ખૂબ જ ભાવિ છે અને સિન્થેટિક ડાયમંડ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો પણ આર્થિક રીતે વધુ સધ્ધર બનશે.
વર્ષ 2021 ની સરખામણીમાં વર્ષ 2022 માં માત્ર ત્રણ માસમાં જ સિન્થેટિક ડાયમંડ 358 મિલિયન ડોલરના આયાત કરવામાં આવ્યા હતા જે સૂચવે છે કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષમાં સિન્થેટિક ડાયમંડ નું પ્રમાણ વધુ છે અને માંગ પણ એટલી જ વધી છે.