જામનગર સંસદિય વિસ્તારનો સાંસદ આરોગ્ય મેળો
સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને યોજાયો
આરોગ્ય વિભાગ પંચાયત જામનગર તથા દેવભૂમિ દ્વારકા અને જામનગર મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે સંસદિય વિસ્તારનો સાંસદ આરોગ્ય મેળો શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડમાં સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો.
જામનગર તથા દેવભૂમિ દ્વારકા વિસ્તારના નાગરિકોના આરોગ્યની ચિંતા કરતા સાંસદશ્રી પૂનમબેન માડમે જણાવ્યું કે, લોકોના આરોગ્યની સુખાકારી કેમ વધે તે માટે રાજય અને કેન્દ્ર સરકાર સતત કાર્યશીલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દિર્ધદ્વષ્ટીને કારણે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકો માટે આજે આ સાંસદ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ આરોગ્ય મેળામા પધારેલા દરેક નાગરિકને તેમના રહેઠાણના સ્થળેથી આરોગ્ય મેળા સુધી લાવવા લઇજવાની સગવડ સરકાર દ્વારા પુરી પાડવામાં આવેલ છે. આ આરોગ્ય મેળાનો લાભ લેતા તમામ નાગરિકોને પોતાના આરોગ્ય અંગે જાગૃત થવા અને વ્યસન મુકત થવા સાંસદશ્રીએ અનુરોધ કરેલ હતો.
કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતના લોકો માટે વિશ્વની સૌથી મોટી આયુષ્માન ભારત યોજના લોકોના સ્વાસ્થય માટે શરૂ કરેલ છે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યકત કરી તેમણે વધુમાં ઉમેર્યું કે, જનજન તંદુરસ્ત હશે તો સ્વસ્થ ભારતનું નિર્માણ થશે.
બેટી બચાવો બેટી પઢાવોના સુત્રને દરેક નાગરિકે અનુસરીને પોતાના બાળકોને પુરતા પ્રમાણમાં શિક્ષણ આપવા ઉપસ્થિત જનસમુદાયને સાંસદશ્રી પૂનમબેન માડમે અપીલ કરી હતી.
આ તકે શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિન્ડોચાએ પ્રસંગને અનુરૂપ પોતાનું મંતવ્ય રજુ કરેલ હતું. આ કાર્યક્રમની આભારવિધી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારિક દ્વારા કરવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી, આરોગ્ય સમિતિના ચેરમેન રેખાબેન ગજેરા, મહાનગરપાલિકાના શાશક પક્ષના નેતા દિવ્યેશ અકબરી, દેવભૂમિ દ્વારકાના કલેકટર નરેન્દ્રકુમાર મિના, મેડિકલ કોલેજના ડીન નંદિનીબેન દેશાઇ તથા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
કાર્યક્રમના પ્રારભમાં તા.૧૪ ફેબ્રુઆરીના રોજ આંતકવાદીના હુમલામાં શહિદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી ઉપસ્થિત સૌએ ૨ મીનીટનુ મૌન પાળ્યું હતુ.