ગિરનારની ગોદમાં યોજાયેલા સમારંભમાં અધિકારીઓ-ઔગેવાનો રહ્યા ઉપસ્થિત
રાજકોટની ગણેશ વિદ્યાલયના આચાર્ય તેમજ રાજ્ય આચાર્ય સંઘના મુખ્ય હોદ્દેદાર એવા ભુપેન્દ્રસિંહજી જાડેજા તા.31- 5 ના રોજ નિવૃત્ત થતાં તેમની નિવૃત્તિને પોખવા ગણેશ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તારીખ 11મી જૂનના રોજ જૂનાગઢના રમણીય સ્થળ પ્રેરણા ધામ ખાતે એક ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન થયું હતું. મુંજકા આર્ષ વિદ્યા મંદિરના સ્થાપક અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ અને બોર્ડ સભ્ય જે.પી.પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ કૈલા તેમજ જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય સાહેબે પણ ઉપસ્થિત રહી નિવૃત્તિની શુભેચ્છા પાઠવી હતી.આ ઉપરાંત માધ્યમિક શિક્ષણ બોર્ડના વર્તમાન અને ભૂતપૂર્વ સભ્ય ઓ,અનેક ગામના સરપંચશ્રીઓ,વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી,કાર્યક્રમની શોભા વધારી હતી.
જાડેજા પોતાની શિક્ષણ યાત્રા દરમિયાન અનેક પદ, હોદા શોભાવ્યા હોવાથી તેમજ તેમના મિલનસાર સ્વભાવના કારણે રાજકોટ શહેર આચાર્ય સંઘના પ્રમુખ સંજયભાઈ પંડ્યાના નેતૃત્વમાં બહોળી સંખ્યામાં શહેરના ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી શુભેચ્છા વ્યક્ત કરી હતી.અનેક જિલ્લા આચાર્ય ઘટક સંઘના પ્રમુખ-મંત્રી ઓ,હોદ્દેદારો અને આચાર્ય ઓ, સગા -સંબંધીઓ, મિત્રો, શુભેચ્છકો વગેરેએ બહોળી સંખ્યામાં હાજર રહી શુભેચ્છા પાઠવી હતી. અમેરિકા-સિંગાપોરથી ખાસ પધારેલ ગણેશ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જયરામભાઈ અપારનાથ અને પ્રમુખ પ્રવિણાબેન અપારનાથ પણ જાડેજા ના આટલા ચાહક વર્ગની ઉપસ્થિતિ જોઈ ગદગદ થયા હતા.
આભારવિધિ ત્રિદલ વિદ્યાલયના નિયામક નિમિષાબેને કરી હતી.કાર્યક્રમનું સફળ સંચાલન સ્વામિનારાયણ ગુરુકુળના આચાર્ય કિશોરભાઈ દવે સાહેબે કર્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને જાડેજા ના ફ્રેન્ડ ,ફિલોસોફર અને ગાઈડ એવા વી.ડી.વઘાસિયા ના માર્ગદર્શન હેઠળ ભરતસિંહ રાયજાદા તેમજ ગણેશ વિદ્યાલયના પરિવારે ખૂબ જહેમત ઉઠાવી હતી.