લાયન સફારી પાર્ક માટે રૂ.20.37 કરોડ, ડ્રેનેજ નેટવર્ક માટે રૂ.35 કરોડ, રસ્તા કામ માટે રૂ.12 કરોડ, ડીઆઇ પાઇપલાઇન બિછાવવા રૂ.39 કરોડ અને નવી આંગણવાડીઓના નિર્માણ માટે રૂ.1.10 કરોડ મંજૂર કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર: 45 પૈકી 44 દરખાસ્તોને મંજૂરીની મહોર

રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 45 પૈકી 44 દરખાસ્તોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. જ્યારે હોર્ડિંગ્સ બોર્ડનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત ફગાવી દઇ રિ-ટેન્ડર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરીજનોને ચેરમેન દ્વારા નવરાત્રીની ભેટ આપવામાં આવી છે.

આજે સવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોર્પોરેશનના ભાજપના શાસકોએ માનવી ત્યાં સુવિધાના સૂત્રને વધુ મજબૂત બનાવ્યો હતો. રસ્તા કામ, ડ્રેનેજ, પેવિંગ બ્લોક, ડીઆઇ પાઇપલાઇન, નવી આંગણવાડી અને ફૂટપાથ સહિતના કામો માટે રૂ.119.72 કરોડનો ખર્ચ મંજૂર કર્યો હતો. શહેરના મોટાભાગના વોર્ડને વિકાસ કામોમાં આવરી લેવામાં આવ્યા હતા. વિવિધ વોર્ડમાં રસ્તા કામ માટે રૂ.12.13 કરોડ, ડ્રેનેજ નેટવર્ક માટે રૂ.34.86 કરોડ, પેવિંગ બ્લોકના કામ માટે રૂ.1.81 કરોડ, ડીઆઇ પાઇપલાઇન નેટવર્ક માટે રૂ.39.35 કરોડ, ગાર્ડન અને વૃક્ષારોપણ માટે રૂ.1.64 કરોડ, પ્રદ્યુમન પાર્કની પાસે આકાર લઇ રહેલા લાયન સફારી પાર્કમાં પ્રવેશદ્વાર બનાવવા અને પાર્કની અંદર ઇન્ટરર્નલ રસ્તાઓ પર ડામર કરી પબ્લીક એમિનીટીઝ વધારવા માટે રૂ.20.37 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવતી મહાપાલિકા હસ્તકની જુદી-જુદી બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવવા માટે રૂ.7.41 કરોડ, નવી આંગણવાડી બનાવવા માટે રૂ.1.10 કરોડ, ફૂટપાથ બનાવવા માટે રૂ.47.47 લાખ અને વોર્ડ નં.8માં નાનામવા ચોકમાં ફ્લાયઓવર બ્રિજ નીચે મોર્ડનાઇઝ ટોયલેટ બનાવવા માટે રૂ.32.20 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગમાં કુલ 44 દરખાસ્તોને બહાલી આપી વિકાસ કામો માટે 1197245486નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. બિનઉપયોગી નોન યુઝ વાહનોને ભંગારમાં આપી દેવાથી કોર્પોરેશનને 16.84 કરોડની આવક થવા પામશે.

વોર્ડ નં.11માં અમૃત-2 યોજના હેઠળ ડીઆઇ પાઇપલાઇન માટે રૂ.7.14 કરોડ મંજૂર કરાયા છે. જ્યારે વોર્ડ નં.1માં રામાપીર ચોક મેઇન રોડ પર રાણીર્માં રૂણીર્માં ચોકથી સ્માર્ટ સિટી સુધી ફૂટપાથના કામ માટે રૂ.1.59 કરોડ, વોર્ડ નં.12માં વાવડીથી ગોંડલ રોડ સુધી રસ્તા પર ડામર કામ કરવા રૂ.3.73 કરોડ, વોર્ડ નં.11માં ડીઆઇ પાઇપલાઇનના અન્ય એક કામ માટે રૂ.3.53 કરોડ અને વોર્ડ નં.1માં અમૃત યોજના હેઠળ જામનગર હાઇવે રોડના ઉત્તર તરફના ભાગમાં ડ્રેનેજ શિવરેજ નેટવર્ક, રેલવે ક્રોસિંગ, જામનગર-રાજકોટ હાઇવેમાં પાઇપલાઇન પુસીંગ કરવા અને રોડ રિસ્ટોરેશનના કામ માટે રૂ.15.40 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

હોર્ડિગ્સ બોર્ડના કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગે ફગાવી: રિ-ટેન્ડરીંગનો આદેશ

શહેરના અલગ-અલગ સ્થળોએ હોર્ડિંગ્સ બોર્ડ પર જાહેરાત પ્રસિદ્વ કરવાનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીની ગત બેઠકમાં અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી હતી. જેમાં એવી શંકા પણ ચેરમેન દ્વારા વ્યક્ત કરાઇ હતી કે હોર્ડિંગ્સ બોર્ડના કોન્ટ્રાક્ટમાં એજન્સીઓ દ્વારા રીંગ કરી લેવામાં આવે છે. જેના કારણે કોર્પોરેશને પૂરતા ભાવ મળતા નથી. દરમિયાન આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હોર્ડિંગ્સ બોર્ડનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી અને રિ-ટેન્ડરીંગ કરવા આદેશ આપવામાં આવ્યો છે. 33 સાઇટ માટે કોન્ટ્રાક્ટ આપવાના હતા. જેમાં 9 એજન્સીઓએ ભાવ આપ્યા હતા. પાંચ એજન્સી સામાન્ય કારણોસર ડિસક્વોલીફાઇ થઇ હતી. ચાર એજન્સીઓને હોર્ડિંગ્સ બોર્ડના કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. જેમાં રીંગની શંકા જણાતા દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. દરમિયાન આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા હોર્ડિંગ્સ બોર્ડના કોન્ટ્રાક્ટમાં રિ-ટેન્ડરીંગની સૂચના આપવામાં આવી છે.

આગવી ઓળખના પાંચ કામો માટે રાજ્ય સરકાર પાસે 60 કરોડની ગ્રાન્ટ માંગણી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખના કામ માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે રૂ.60 કરોડની ગ્રાન્ટ માંગવાની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. જેમાં પેડક રોડને ગૌરવપથ તરીકે ડેવલપ કરવા રૂ.24 કરોડ, સ્પોન્ઝ સિટી ડેવલપ કરવાના કામ માટે રૂ.13 કરોડ, શહેરમાં રાષ્ટ્રીય સહિત સ્મારક બનાવવા રૂ.7 કરોડ, સિટી બ્યૂટીફિકેશનના કામ માટે રૂ.9 કરોડ, વેસ્ટ ઝોન વિસ્તારમાં લાયબ્રેરી બનાવવા માટે રૂ.7 કરોડની ગ્રાન્ટ સહિત આગવી ઓળખના અલગ-અલગ પાંચ કામો માટે રૂ.60 કરોડની ગ્રાન્ટ રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવા માટે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ગાંધીનગર સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

સફાઇ કામદારોએ કોર્પોરેશનના શાસકોનું કર્યું સન્માન

સફાઇ કામદારોને વર્ષોથી પરેશાન કરતા નિયમોમાં ફેરફાર કરવાની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવતા સફાઇ કામદારોના પરિવારજનોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. કોર્પોરેશનના પદાધિકારીઓ અને શહેર ભાજપના હોદ્ેદારોને સાફા પહેરાવી વધામણાં કર્યા હતા. કોર્પોરેશનની કચેરી ઢોલ-નગારાના નાદથી ગુંજી ઉઠી હતી. સફાઇ કામદારના સ્વૈચ્છીક નિવૃત્તિના કેસમાં કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની રહેતી હતી અને મેડિકલ સર્ટીફિકેટ રજૂ કરવાનું થતું હતું. જેમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 20 વર્ષથી વધુ સમયથી કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા અથવા 54 વર્ષની ઉંમર થઇ હોય તેવા સફાઇ કામદારોએ સ્વૈચ્છીક નિવૃત્તિ લેવા માટે નિયત્ત કરાયેલી કમિટી સમક્ષ અરજી કરવાની રહેતી હતી અને સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટનું મેડિકલ સર્ટીફિકેટ આપવાનું થતું હતું પરંતુ આ બંને નિયમો હવે રદ્ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી સફાઇ કામદારોમાં ભારે રાજીપો વ્યાપી જવા પામ્યો છે. આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા દરખાસ્તને બહાલી અપાયા બાદ સફાઇ કામદારોના પરિવારજનો દ્વારા મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યૂટી મેયર નરેન્દ્રસિંહ વાઘેલા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીનું સાફો પહેરાવી કુમકુમ તિલક કરી સન્માન કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાની રમઝટથી આજે કોર્પોરેશનની કચેરી ગુંજી ઉઠી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.