ગાંધીનગરમાં યોજાયેલા સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના આઇટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે એક સમયે ક્ધઝ્યુમર તરીકેની ઓળખ ધરાવતા ભારત દેશે છેલ્લા 9 વર્ષમાં પ્રોડ્યુસર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી છે. દેશનો આગામી ડિકેડ એ ટેકેડ તરીકે ઓળખાશે અને ભારતમાં ટેકનોલોજી ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ક્રાંતિ લાવશે. તેમાં યુવા ભારતીયોનો રોલ મહત્ત્વનો રહેશે. અઢળક તકોને જોતા ભારતના વિકાસમાં સ્ટાર્ટઅપનો રોલ મુખ્ય હશે. વર્ષ-2026 સુધીમાં ભારતની જીડીપીનો પાંચમો હિસ્સો ડિજિટલ અર્થ વ્યવસ્થાનો હશે તેમ પણ જણાવ્યું હતું.
ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલી સ્ટાર્ટઅપ કોન્ક્લેવ સાથે યુવાઓ દ્વારા કરાયેલા સંશોધનોનું પ્રદર્શન યોજાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટાર્ટઅપ કોન્કલેવ ઇનોવેટિવ આઇડિયાઝ અને નોલેજ શેરિંગ માટે ઉત્તમ માધ્યમ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલી સ્ટાર્ટઅપ કોન્ક્લેવ સાથે યુવાઓ દ્વારા કરાયેલા સંશોધનોનું પ્રદર્શન પણ યોજાયું હતું જેની અગ્રણીઓએ મુલાકાત લઇને સ્ટાર્ટઅપની પ્રશંસા કરી હતી. કોન્ક્લેવને સંબોધન કરતા કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને આઇટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે આઝાદી બાદ ભારતના ઇતિહાસમાં અત્યારે સુવર્ણ સમય ચાલી રહ્યો છે.
પીએમ નરેન્દ્ર મોદીએ ડિજિટલાઇઝેશન અને ટેકનોલોજીને વિશેષ મહત્ત્વ આપતા 2014થી દેશમાં ઇન્વેસ્ટમેન્ટ ઈકો સિસ્ટમ અને ડિજિટલ ઈકો સિસ્ટમ સતત પ્રગતિમાં રહી છે. તેમણે કહ્યું હતું કે વર્ષ 2014 પહેલા ભારતની અર્થ વ્યવસ્થા માત્ર ત્રણ-ચાર ક્ષેત્રોથી પ્રભાવિત હતી હવે દરેક ક્ષેત્રો દેશની અર્થ વ્યવસ્થા વિકસાવવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેના પરિણામે ભારત આજે વિશ્વની સૌથી વધુ ઝડપે વિકસી રહેલી અર્થ વ્યવસ્થા બની છે. આ દાયકો દેશમાં ડિજિટલ અને ટેકનોલોજીની ક્રાંતિનો દાયકો છે અને ટેકનોલોજી ક્ષેત્રમાં અનેકવિધ તકો ઉપલબ્ધ હોવાથી સ્ટાર્ટઅપ અને ઈનોવેશન માટેનો શ્રેષ્ઠ સમય છે જે સફળતાના નવા શિખરો સર કરશે. એટલું જ નહીં વિકસિત ભારતના 2047ના સ્વપ્નને સાકાર કરવામાં આ દાયકાનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે.
વિચારો-તકોના આદાન-પ્રદાન માટે કોન્ક્લેવ સક્ષમ પ્લેટફોર્મ બનશે: મુખ્યમંત્રી
સીએમ પટેલે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર્સ તથા એન્જલ નેટવર્ક્સના વિચારો તથા તકોના આદાન-પ્રદાન માટે કોન્ક્લેવ સક્ષમ પ્લેટફોર્મ બનશે તેમ કહેતા ભારત વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ બન્યું છે. આ સિદ્ધિ પાછળ પીએમ નરેન્દ્ર મોદીની દેશના યુવાઓના સામર્થ્યને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાની ગેરંટી છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે જે રાજ્ય કે દેશ ટેલેન્ટ ઉપર ઇનવેસ્ટ કરે છે તેનો વિકાસ નિશ્ચિત છે. કેપિટલ માર્કેટ, રીયલ એસ્ટેટ પછી હવે આઇડિયામાં રોકાણ કરવાનો સમય આવ્યો છે. મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે ગુજરાતમાં 9000 સ્ટાર્ટઅપ છે. કેન્દ્ર સરકારના ડીપીઆઇ આઇટીના રાજેશ કુમારસિંઘે જણાવ્યું હતું કે ભારત સરકારે વર્ષ 2016થી અત્યાર સુધી 99 હજાર સ્ટાર્ટઅપને માન્યતા આપી ઉદ્યોગ સાહસિકતાને વેગ આપ્યો છે.