આજથી ગુજરાતના ગૌરવ જગતજનની મા જગદંબાની શક્તિ આરાધનાની નવરાત્રિનો પ્રારંભ થશે. આસો માસના નવરાત્રિ ઉત્સવની નવલી રઢિયાળી રાતમાં રાજ્યભરનું યુવાધન રાસ-ગરબાના હિલોળે ચઢશે, જોકે આ પાવન પર્વ દરમિયાન ખેલૈયાઓને વરસાદનું વિઘ્ન નડવાનું નથી.
ગઇ કાલે દેશની આર્થિક રાજધાની મુંબઇને વરસાદે ધમરોળી કાઢ્યું હતું. મુંબઇમાં મેઘરાજા મન મૂકીને વરસતાં અમદાવાદીઓમાં પણ નવરાત્રિના રંગમાં ભંગ પાડે તેવો ફફડાટ ફેલાયો છે. ચોમાસાની વિદાય પૂર્વે ગુજરાતમાં પણ મેહુલિયો ધમધમાટી બોલાવશે તેવી અગાઉ હવામાન વિભાગની આગાહી પણ હતી. ખાસ કરીને મધ્ય પ્રદેશની સિસ્ટમથી નવરાત્રિમાં વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ હતી.
દરમિયાન સ્થાનિક હવામાન વિભાગનાં સૂત્રો કહે છે કે નવરાત્રિના પ્રારંભના બે દિવસ એટલે કે ગુરુવાર અને શુક્રવારે અમદાવાદમાં વરસાદ પડે તેવી હાલ વકી નથી. રાજ્યમાં પણ વરસાદ પડવાની શક્યતા નથી.