રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 1086એ ઓળ્યો: એક દિવસમાં અમદાવાદમાં 13, ગાંધીનગરમાં 4 અને રાજકોટમાં ઓમિક્રોનના 3 કેસ
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. ગઇકાલે સોમવારે કોરોનાના 200થી વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત એક જ દિવસમાં ઓમિક્રોનના 24 કેસો નોંધાતા રાજ્યભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. કોરોનાની ત્રીજી લહેરથી ફફડી ઉઠેલી રાજ્ય સરકારે લોકોને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન બેડ, સામાન્ય બેડ અને વેન્ટીલેટરની માહિતી મળી રહે તે માટે ખાસ પોર્ટલનું પણ ગઇકાલે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 1086 પહોંચી જવા પામ્યો છે. જે પૈકી 14 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 1072 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં ગઇકાલે કોરોનાથી વધુ એક દર્દીનું મોત થતા મુત્યુઆંક 10114 પહોંચ્યો છે.
ગુજરાતમાં ગઇકાલે સોમવારે દિવસ દરમિયાન કોરોનાના 204 કેસ નોંધાતા હતા. જ્યારે ઓમિક્રોનના એક જ દિવસમાં 24 કેસ નોંધાયા છે. ગઇકાલે અમદાવાદમાં 98 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 33 કેસ, સુરત કોર્પોરેશનમાં 22 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 16 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 કેસ, ખેડા જિલ્લામાં 4 કેસ, મહિસાગર જિલ્લામાં 3 કેસ, રાજકોટ જિલ્લામાં 3 કેસ, અમદાવાદ જિલ્લામાં 2 કેસ, આણંદ જિલ્લામાં 2 કેસ, ભરૂચ જિલ્લામાં 2 કેસ, કચ્છ જિલ્લામાં 2 કેસ, બનાસકાંઠા જિલ્લા, ભાવનગર કોર્પોરેશન, દાહોદ, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન, મહેસાણા, નવસારી, પંચમહાલ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ જિલ્લામાં કોરોનાના એક-એક કેસ નોંધાયા છે. રાજ્યમાં ઘણા મહિનાઓ પછી કોરોનાના 200થી વધુ કેસ નોંધાયા છે. જેની સામે ગઇકાલે 65 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
ગઇકાલે રાજ્યમાં ઓમિક્રોને પણ હાહાકાર મચાવ્યો હતો. અમદાવાદ કોર્પોરેશનમાં 13 કેસ, અમરેલી જિલ્લામાં ઓમિક્રોનનો એક કેસ, આણંદ જિલ્લામાં ઓમિક્રોનનો એક કેસ, ભરૂચ જિલ્લામાં 1 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 3 કેસ અને વડોદરામાં એક સહિત કુલ 24 કેસ નોંધાયા છે.
જે પૈકી 17 દર્દીઓ ઇન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને 7 દર્દીઓ કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. રાજ્યમાં આજ સુધીમાં ઓમિક્રોનના કુલ 73 કેસ નોંધાયા છે. જે પૈકી 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.રાજકોટમાં પણ ગઇકાલે ઓમિક્રોનના પ્રથમ પોઝિટીવ આવેલ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.