“સ્કુલ ચલે હમ”
કોવિડ-૧૯ના ભય વચ્ચે શૈક્ષણિક કાર્ય શરૂ: શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી
કોરોના મહામારીના કારણે બંધ પડેલા દેશભરનાં સ્કુલ-કોલેજો સહિત અન્ય એજયુકેશનલ ઈન્સ્ટીટયુટ ફરી શરૂ થવા લાગ્યા છે. કોરોનાનું ‘વેકેશન’ ખત્મ થયું હોય, તેમ વિદ્યાર્થીઓ ફરીથી શૈક્ષણીક પ્રક્રિયાઓ તરફ આગેકૂચક કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશો મુજબ દેશના સાત રાજયો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ૮ પ્રદેશોમાં શાળાઓ ફરી શરૂ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, કોવીડ ૧૯ના કારણે સમગ્ર દેશમાં ૩૧ ઓગષ્ટ, સુધી શાળા કોલેજો પર સંપૂર્ણ પણે પ્રતિબંધ હતો. પરંતુ શૈક્ષણિક પ્રક્રિયા ફરી શરૂ કરવાને લઈને કેન્દ્ર સરકારે ગયા માસે દિશા-નિર્દેશો જારી કર્યા હતા. જેને અનુસરીને મેઘાલય, મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, હિમાચલ પ્રદેશ આસામ અને નાગાલેન્ડ સરકારે શાળાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, આ શાળાઓ શરૂ થયાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.
કોરોના વાયરસનાં વધતા જતા ફેલાવાને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ડર તો જોવા મળી જ રહ્યો છે એટલે જ શાળાઓમાં સંપૂર્ણ હાજરી જોવા મળી રહી નથી. ગુવાહાટી સ્થિત સાઉથ પોઈન્ટ સ્કુલના આચાર્ય સાથેની વાતચિતમાં તેમણે જણાવ્યું કે, અમે ધો.૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ફરી શૈક્ષણિક પ્રક્રિયા શરૂ કરી છે. જેના પ્રથમ દિવસવે માત્ર ૧૦% જેટલા જ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સોમવારે શાળા કોલેજો શરૂ થયા બાદ હવે પરિક્ષાઓનું પણ આયોજન કરવા તરફ કેન્દ્ર અને રાજયો સરકારો વિચારી રહી છે. હાલ ધોરણ ૯ અને તેનાથી ઉપરના વર્ગો માટે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જયારે બાકીના વર્ગો માટે ઓનલાઈન વર્ગો જ ચાલુ રહેશે.
દેશના સાત રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં શાળાઓ ફરી શરૂ થઈ છે.જયારે ઘણા રાજયોની સરકાર હજુ આ અંગે વિચારણા કરી રહી છે.
જેમાની એક ગુજરાત સરકાર છે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, કોરોના મહામારીની પરિસ્થિતિમાં સુધાર આવ્યા બાદ ગુજરાતમાં શાળા કોલેજો શરૂ કરવા પર નિર્ણય લેવાશે હાલની સ્થિતિને ધ્યાને રાખીને શાળાઓ પર હજુ પ્રતિબંધ યોગ્ય રહેશે.