ગત વર્ષ કરતા આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા બે માસ મોડી શરૂ થશે: ૧૫ એપ્રીલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
રાજયની ખાનગી પ્રાથમિક શાળામાં ધો.૧માં રાઈટ ટુ એજયુકેશન એકટ હેઠળ પ્રવેશ માટેની ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો ૫મી એપ્રિલથી પ્રારંભ થનાર છે. ગત વર્ષના નિયમો અને જોગવાઈઓ અનુસાર જ આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ સહિતની તમામ ખાનગી સ્કુલોની ધો.૧ની ૨૫ ટકા બેઠકો પ્રમાણે અંદાજે ૧૦ લાખથી વધુ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે ગત વર્ષે ૧૬ ફેબ્રુઆરીથી આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. આ વર્ષે માર્ચ માસના અંતિમ સપ્તાહ સુધી પણ આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો નથી.
શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ની આરટીઈની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ડીઈઓ-ડીપીઓ હેઠળની તમામ ખાનગી સ્કુલોને ૨૪મી માર્ચ સુધીમાં બેઠકો સહિતની તમામ વિગતો અપલોડ થાય તેવા આદેશો આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ હજુ સુધી મોટાભાગની સ્કુલોએ માહિતી અપલોડ કરી નથી. આરટીઈ પ્રવેશ માટે ૨૫મી માર્ચના રોજ સરકાર દ્વારા જાહેરાત આપવામાં આવશે અને ૫મી એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાશે અને ૧૫ એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો વિગતવાર કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, લઘુમતી શાળાઓમાં પ્રવેશ માટે પાંચ વર્ષ અને છ વર્ષની મર્યાદા અંગેનો કેસ પણ કોર્ટમાં છે. ગત વર્ષે ફેબ્રુઆરીનાં આરંભમાં આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી. આ વર્ષે એપ્રિલ માસમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થનાર છે. ગત વર્ષની જેમ આ વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં ધાંધિયા ન થાય તે માટે સરકાર દ્વારા ડીઈઓ ડીપીઓને આદેશ કરાયા છે.