અષાઢી પૂનમથી યાત્રાની શુભારંભ અને રક્ષાબંધન પર થશે સમાપ્ત
અમરનાથ યાત્રા આ વર્ષે અષાઢી પૂનમે ૨૮ જુનથી શરુ થઈને ૭ ઓગસ્ટ રક્ષાબંધન સુધીની રહેશે. આ વર્ષે અમરનાથ યાત્રા ૬૦ દિવસની રહેશે. ગયા વર્ષે આ યાત્રા ૪૦ દિવસની રહી હતી. દેશભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો અમરનાથ યાત્રા કરી પુણ્યનું ભાથું બાંધતા હોય છે આ વર્ષે પણ હજારો લોકો જશે જેમાં રાજકોટથી અંદાજીત ૧ હજારથી વધુ લોકો અમરનાથ યાત્રા કરશે.
અમરનાથ શ્રાઈન બોર્ડના સીઈઓ રાજેશ શર્માએ જણાવ્યું કે ૨૮ જુનથી શરુ થતી આ યાત્રાની અવધી આ વર્ષે ૨૦ દિવસ વધારીને ૬૦ દિવસની કરવામાં આવો છે. અગાવ પણ યાત્રા ૨ મહિના સુધીની થતી હતી પરંતુ જમ્મુ-કાશ્મીરની હિંસક ઘટનાઓ અને ક્યારેક ખરાબ વાતાવરણને લીધે યાત્રાની અવધી ઘટાડી દેવામાં આવી હતી. આ વખતે પણ પરીસ્થિત સુરક્ષિત રહી તો નિશ્ચિત તિથિ સુધી યાત્રા રહેશે અન્યથા અમરનાથ શ્રાઈન બોર્ડ યાત્રા ઘટાડી શકે છે. યાત્રા માટે પહેલગામ અને બાલતાલ આ બે માર્ગ રહેશે.
અમરનાથ યાત્રા માટે ગત તારીખ ૧ માર્ચથી રજીસ્ટ્રેશન શરુ થઇ ગયું છે અને ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકોએ નોંધણી કરાવી લીધી છે. રજીસ્ટ્રેશન બાલતાલ અને પહેલગાવથી અમરનાથ ગુફા સુધી પહોચવાના બંન્ને માર્ગો માટે અલગ અલગ કરાશે. શ્રાઈન બોર્ડ દ્વારા પ્રથમ તબક્કામાં સડા છ હજાર રજીસ્ટ્રેશન કરવાનો લક્ષ્યાંક રખાયો છે. ત્યારબાદ ડીમાન્ડ વધશે તો બીજા ફોર્મ ઉપલબ્ધ કરાવાશે.
૧૩થી ઓછી અને ૭૫થી વધુ ઉમરના ભાવિકોનું રજીસ્ટ્રેશન નહીં
અમરનાથ યાત્રા માટે આ વખતે પણ ૧૩થી ઓછી અને ૭૫થી વધુ ઉમર ધરાવતા ભાવિકોનું રજીસ્ટ્રેશન કરાવી શકાશે નહીં. અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા પ્રમાણિત ડોક્ટર પાસેથી મેડીકલ સર્ટિફિકેટ આવેદન સાથે જોડવું પડશે. દર વર્ષે ૧૩ વર્ષની નાની ઉમરના બાળકો અને ૭૫ વર્ષથી મોટી ઉમરના વડીલોને અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરવા માટે અસક્ષમ ગણવામાં આવે છે, તેમનું રજીસ્ટ્રેશન થઇ શકતું નથી.
પ્રત્યેક અમરનાથ યાત્રિકોનો ૩ લાખનો વીમો
અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા દર વર્ષે યાત્રિકોનો વીમો લેવામાં આવે છે. ગયા વર્ષે જ શ્રાઈન બોર્ડ દ્વારા અમરનાથ યાત્રિકો માટેના દુર્ઘટના વીમા રાશીની રકમ ૧ લાખથી વધારીને ૩ લાખ કરી દેવામાં આવી હતી. આ વર્ષે પણ આ જ રકમનો વીમો કરાયો છે એટલે કોઈ પણ યાત્રિકે પોતાનો અલગથી વીમો નહીં કરવો પડે.
યાત્રિકોએ આટલી વસ્તુઓ સાથે રાખવી
જરૂરી પૂરતા વસ્ત્રો, ગરમ સ્વેટર આખી બાયનું અને અર્ધી બાયનું એક્સ્ટ્રા સાથે રાખવું, રેઇનકોટ ટોપી સાથે, ટોર્ચલાઈટ કે મીણબત્તી, સોય-દોરા, હંટરસૂઝ, ગ્લાસ-ચમચી, સુંઠનો કોરો પાવડર,સુંઠની ગોળીઓ, જરૂરી દવાઓ જેવી કે માથાનો દુખાવો,શરદી, ઝાડા, ઉલટી, શ્વાસ માટેની, કપૂરની ગોળીનું પેકેટ, પાંચ મીટર પ્લાસ્ટિકની દોરી, જરૂરી પૂજાપો, પ્રસાદમાં માત્ર ડ્રાઈફૂટ, પ્રોટીનના બિસ્કીટ, પ્લાસ્ટિકની નાની-મોટી થેલીઓ, પાણીની બોટલ
હિંદુઓનું મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે
અમરનાથયાત્રા ભારતભરના હિંદુઓની એક મહત્વાકાંક્ષા હોય છે અને આ મહત્વાકાંક્ષાને ખુબ નસીબદાર વ્યક્તિ જ શક્ય બનાવી શકે છે. બાબા અમનાથ એ હજારો કિ.મી દૂર આવેલા હિમાલયની ગિરિમાળાઓમાં હિંદુઓનું એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે. અમરનાથજીના દર્શને જતા દરેક ભાવિકોની યાત્રા નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય અને યાત્રા દરમિયાન પડતી મુશ્કેલીઓનો તેઓ હિંમતપૂર્વક સામનો કઈ શકે તેવી શુભકામના.
-જીતુભાઈ લખતરીયા, પ્રમુખ,જય બાબા બર્ફાની સેવા સમિતિ, રાજકોટ
ક્યાં વર્ષે કેટલા દિવસની રહી અમરનાથ યાત્રા
અમરનાથ શ્રાઈન બોર્ડ ઘણી વખત સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને યાત્રાના દિવસો ઘટાડી દે છે. ઘણા લોકોની ટ્રેનની રિઝર્વેશન ટિકિટ ક્ધફોર્મ ન થવાને લીધે પણ યાત્રા કરવાનું માંડી વાળે છે. અમરનાથ યાત્રા વર્ષ ૨૦૧૩માં ૫૪ દિવસ, ૨૦૧૪માં ૫૫ દિવસ, ૨૦૧૫માં ૫૮ દિવસ, ૨૦૧૬માં ૪૮ દિવસ અને ૨૦૧૭માં આ યાત્રા માત્ર ૪૦ દિવસની રહી હતી જયારે આ વર્ષે ૨૦૧૮માં અમરનાથ યાત્રા પુરા ૬૦ દિવસની રહેશે.
અમરનાથ યાત્રિકોએ ધ્યાનમાં રાખવાની બાબતો
યાત્રા શરુ કરતા પહેલા સાથે લઇ જવાની વસ્તુઓ તપાસી લેવી
મહિલાઓએ સાડીની બદલે ડ્રેસ, પેન્ટ-શર્ટ, સલવાર કમીઝ અથવા ટ્રેક સુટ પહેરવું
યાત્રા દરમિયાન ધાબળા, નાસ્તો ઉપાડી લઇ જવાની જરૂર નહીં, રસ્તામાં ભંડારાઓ આવે છે.
રાત્રે સુતી વખતે શરીરના બધા ભાગો ઢંકાયેલા રહે તેવા કપડા પહેરી સુવું. તેમજ ખુબ ઠંડી લાગે તો સુંઠનો પાવડર છાતી, પીઠ, હાથ-પગના તળિયા પર ઘસવો
ચાલતા ચાલતા શ્વાસ ઘટે એવું લાગે તો કપૂર સુંઘવું.
ઉંચાઈવાળા રૂટ પર ગ્લુકોઝનો ઉપયોગ ન કરવો, તેનાથી શરીર ઠંડુ પડી જાય તેમજ પહાડી પ્રદેશનું પાણી પચવામાં ભારે હોય છે, ઓછું પીવું.
સ્પોર્ટ્સના ખેલાડીઓ થ્રેપટીનના બિસ્કીટ લેતા હોય છે, જેમાં તમામ પ્રોટીન હોય છે.
જમ્મુ સરકારનું ઓળખપત્ર(યાત્રા આઈકાર્ડ)દેખાય તેવી રીતે લગાવવું.
પહાડ ચઢવાનું વહેલી સવારથી શરુ કરી દેવું, બપોરે વરસાદ પડતો હોય છે. તેમજ ભંડારા/સરકારી તંબુ રાહત દરે મળે છે, તેમાં રહેવું હિતાવહ છે.
આખી યાત્રા દરમિયાન આર્મીના મેડીકલ કેમ્પ હોય છે, જરૂર જણાય તો લાભ લેવો.
વરસાદ ચાલુ હોય ત્યારે સ્થાનિક સત્તાવાળાઓ જાહેરાત કરે ત્યારબાદ જ યાત્રા શરુ કરવી.
પહેલગાંવથી ગુફા સુધીના માર્ગમાં દરેક સ્થળે એસટીડી બુથની સુવિધા છે.
આ પ્રમાણે કરી શકાશે અમરનાથ યાત્રા
રાજકોટથી ૬.૪૦, અમદાવાદથી ૧૧.૪૫/૧૧.૫૫, વડોદરાથી ટ્રેનમાં જમ્મુતવી પ્રયાણ માટે ૧૧.૫૦/૨.૦૦ કલાકે
જમ્મુ બપોરે ૪.૨૦ કલાકે
જમ્મુથી બસમાં શ્રીનગર, સોનમાર્ગ, બાલતાલ ૪૨૫ કિ.મી
બાળતાલથી ગુફા ગુફા ૧૪ કિ.મી દર્શન કરીને પરત બાલતાલ.
બાળતાલથી શ્રીનગર
કટરાથી વૈષ્ણોદેવી પગપાળા ૧૩ કિ.મી.થઇને જમ્મુ પરત
જમ્મુથી વડોદરા, અમદાવાદ, અને રાજકોટ પરત
૨) પહેલગાંવ
જમ્મુતવી એક્સપ્રેસ આગમન બપોરે ૪.૨૦ કલાકે
જમ્મુથી બસમાં પહેલગાંવ ૨૯૫ કિ.મી
પહેલગાંવથી મિનિ બસમાં ચંદનવાડી ૧૬ કિ.મી, ત્યાંથી પગપાળા ૧૨ કિ.મી શેષનાગ
શેષનાગથી પંચતરણી ૧૪ કિ.મી
પંચતરણીથી પવિત્રગુફા (૬ કિ.મી) દર્શન કરીને પરત શેષનાગ
શેષનાગથી ચંદનવાડી થઇને પહેલગાંવ
પહેલગાંવથી ૨૬૫ કિ.મી કટરા
-કટરાથી વૈષ્ણોદેવી પગપાળા ૧૩ કિ.મી થઇને જમ્મુ પરત
જમ્મુમાં ખરીદી-દર્શન વગેરે…
જમ્મુથી વડોદરા, અમદાવાદ અને રાજકોટ પરત
ક્યાં વર્ષમાં કેટલા ભાવિકોએ કરી યાત્રા
વર્ષ | યાત્રિકોની સંખ્યા
|
૨૦૧૭ | ૨,૬૦,૦૦૩ |
૨૦૧૬ | ૨,૨૦,૪૯૦ |
૨૦૧૫ | ૩,૫૨,૭૭૧ |
૨૦૧૪ | ૩,૭૨,૯૦૯ |
૨૦૧૩ | ૩,૫૩,૯૬૯ |
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com