સવંત્સરી રજા છતાં પાણી પ્રશ્ર્ને પદાધિકારીઓએ રીવ્યુ બેઠક બોલાવી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લેતા વહેલી સવારથી
જીડબલ્યુઆઈએલ દ્વારા નર્મદા યોજનાની એનસી-૩૨, એનસી-૩૩ અને એનસી-૩૪ પાઈપલાઈન ખાતે રીપેરીંગ અને મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી હોય રાજકોટને છેલ્લા પાંચ દિવસથી અપુરતા પ્રમાણમાં નર્મદાના નીર મળતા હોવાના કારણે કોર્પોરેશન દ્વારા શહેરીજનો પર પાણીકાપના પોરડા વિંઝવામાં આવી રહ્યા છે. ગઈકાલે સાંજે શહેરના ચાર વોર્ડમાં પાણીકાપ જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લેતા કોર્પોરેશને તાકીદે પાણીકાપ ઉઠાવી લેવાની જાહેરાત કરી હતી. આજે સવારથી રાજકોટને રૈયાધાર, બેડી અને કોઠારીયામાં નર્મદાના નીર મળવાનું શરૂ થઈ જતા શહેરભરમાં નિયમિત પાણી વિતરણ થઈ રહ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, છેલ્લા ચારેક દિવસથી અપુરતા નર્મદાના નીર મળતા હોવાના કારણે પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી હતી. દરમિયાન ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટના પાણી પ્રશ્ર્ને અંગત રસ લીધો હતો અને નર્મદા નિગમના અધિકારીઓને તાકીદે નર્મદાના નીર મળવા લાગે તેવી સ્પષ્ટ સુચના આપી હતી. આજે સવારથી રાજકોટને ત્રણેય સ્થળોએ નર્મદાના નીર મળવા લાગ્યા છે જેના કારણે આજે શહેરના તમામ ૧૮ વોર્ડમાં પાણીકાપ વિના નિયમિત પાણી વિતરણ થઈ રહ્યું છે. આજે સવંત્સરીની રજા હોવા છતાં પદાધિકારીઓ દ્વારા અધિકારીઓ સાથે પાણી પ્રશ્ર્ને રીવ્યુ બેઠક બોલાવવામાં આવી હતી અને આગામી દિવસોમાં પાણીની કોઈ સમસ્યા ઉભી ન થાય અને શહેરીજનોને નિયમિત પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવાની તાકીદ કરવામાં આવી છે. બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ ઉપરાંત ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજય પરમાર અને વોટર વર્કસ સમિતિના ચેરમેન બાબુભાઈ આહિર ઉપરાંત ત્રણેય ઝોનના સીટી ઈજનેર અને વોટર વર્કસ શાખાના જવાબદાર ઈજનેરો હાજર રહ્યા હતા.