જયા પાર્વતી વ્રતથી ઈચ્છિત વરની પ્રાપ્તિ તથા સૌભાગ્ય વૃદ્ધિ, સુખ, શાંતી, ઐશ્ર્વર્ય અને સંતાનની સુખાકારી પ્રાપ્ત થાય છે
ભારતીય સંસ્કૃતિમાં દરેક પર્વો, તહેવારો, વ્રતોની ભીતર વ્યવહારિક, વૈજ્ઞાનિક, આઘ્યાત્મિક, સામાજીક અર્થ અને કામના, ભાવના, પ્રાર્થના છુપાયેલી હોય છે. શ્રદ્ધા અને આસ્થાથી કરવામાં આવતું કોઈપણ કાર્ય કે વ્રત અવશ્ય યેનકેન પ્રકારે ફળપ્રદાન કરતું હોય છે. આવું જ નારી જીવન અને જગતને ઉત્કર્ષ, ઉજાગર કરતું એના અંતરનાં ઓરતા પૂર્ણ કરતું એમનાં અંતરથી અભિભાષાની અભિવ્યકિત અને પૂર્તિ કરતું પર્વ-વ્રત એટલે જયા પાર્વતી વ્રત. આ વ્રત અષાઢ સુદ-૧૩થી શરૂ થાય છે અને અષાઢ વદ બીજનાં પૂર્ણરાત્રી જાગરણ સાથે સમાપન થાય છે. આ વ્રત દરમ્યાન ભગવાન પશુપતિનાથ અને માતા પાર્વતીની પુજા, અર્ચના, આરાધના કરવામાં આવે છે. આ વ્રત દરમ્યાન અલુણા, એકટાણા કરવામાં આવે છે. આ દિવસો દરમ્યાન ગોળ પણ ગ્રહણ કરવામાં આવતો નથી. કારણ એમાં પણ મીઠું હોય છે એવું કહેવાય છે. છેલ્લા દિવસની રાત્રીએ જાગરણ કરાય છે.
વાસ્તવમાં આ દિવસો દરમ્યાન શંકર-પાર્વતીની આરાધના કરવાની હોય છે. કારણ સંતુષ્ટ, સંયુકત, એકતાનાં પ્રતિકસમો આનાથી શ્રેષ્ઠ, સુખી પરિવારનો જોટો જગમાં જડે એમ નથી. આ વ્રત કુમારકા અવસ્થામાં કરી શકાય પરંતુ એની ઉજવણી લગ્ન બાદ પાંચ, સાત, નવ, દસ, વીસ વર્ષે પણ કરી શકાય. આ વ્રતથી ઈચ્છિત વરની પ્રાપ્તિ થઈ મનનાં મનોરથો સિઘ્ધ થાય છે તથા સૌભાગ્ય વૃદ્ધિ, સુખ, શાંતી, ઐશ્ર્વર્ય તથા સંતાનની સુખાકારી પ્રાપ્ત થાય છે. એવી અજબ આસ્થા આ વ્રત સાથે નારી જીવનમાં આરોપાયેલી છે. આ વ્રતનું નામ જયા પાર્વતી પાડવા પાછળનું કારણ એવું જણાય છે કે, ભગવાન પશુપતિનાથનાં પરમ ભકત પુષ્પદંતની પત્નિનું નામ જયા હતું. આ જયા માં પાર્વતીની પરમપ્રિય સખી હતી જેથીએ બંનેની અમર યાદમાં આ વ્રતનું નામ જયા પાર્વતી પડયું.
આની પાછળ વામન બ્રાહ્મણ અને સત્યા નામની બ્રાહ્મણીની કથા પણ સંકળાયેલી છે તો અમુક જગ્યાએ સત્યવ્રત બ્રાહ્મણ અને સત્યવતી નામની બ્રાહ્મણીની કથા પણ આલેખાયેલી છે. મુળમાંતો ઈચ્છિત મનોકામના પૂર્ણ થાય, પરિવારની સુખાકારી વધે સંયુકત પરિવારમાં સુખ, શાંતી અને ઐશ્ર્વર્ય પ્રાપ્ત થાય અને ગૃહસ્ય જીવન સફળતા સુફળતાને વરે એવી ભવ્ય ભાવના આ વ્રતની ભીતર ભંડારેલી પડી છે. આના પૂજનમાં ઉપર કંકુ લગાડી માંની ચુંદડી બનાવાય છે જેને નાગલો કહે છે અને જેટલા વર્ષ વ્રત કર્યા હોય એટલી ગોરણી જમાવી રંગેચંગે ઉજવાય છે.