બી.એ., બી.કોમ, એમ.બી.એ., એલ.એલ.બી. સહિતના વિવિધ કેટેગરીના ૬૯૯૦૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબકકાની પરીક્ષા દિવાળી તહેવાર પૂર્વે જ પૂર્ણ થઈ હતી ત્યારબાદ દિવાળી વેકેશન ખુલતાની સાથે એટલે કે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબકકાની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં બી.કોમ. સેમ-૩ના રેગ્યુલર ૨૭૭૫૧, બી.એ.સેમ-૩ના ૧૫૧૫૫ તથા બી.એસ.સી. સેમ-૩ના ૮૬૮૯ મળી જૂદી જૂદી પરીક્ષામાં કુલ ૬૯૯૦૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર દરેક જિલ્લામાં પ્રશ્ર્ન પેપરો પહોંચી ગયા છે. તેમજ તમામ કોલેજને સીસીટીવી કેમેરા ચાલુ રાખવા તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારોને જ સુપરવાઈઝરની કામગીરીમાં સામેલ કરવાની તાકીદ કરવામાં આવી છે.
પ્રથમ તબકકામાં અનેક કોપી કેસો બહાર આવ્યા છે. સુપરવાઈઝરની કામગીરી પણ અમુક કોલેજોમાં નબળી જોવા મળી હોવાનું બહાર આવ્યું હતું.
પ્રથમ તબકકાની પરીક્ષા દરમિયાન રાજુલા, વેરાવળ, જૂનાગઢ, જસદણ, પડધરી સહિતની કોલેજોમાં સીસીટીવી કેમેરાનો પણ અભાવ જોવા મળ્યો હતો ત્યારે હવે બીજા બીજા તબકકાની પરીક્ષામાં સધન ચેકિંગ સ્કવોર્ડની ટીમ કાર્યરત રહેશે તેવું જણાઈ રહ્યું છે. છતાં જોવાનું રહેશે કે કોપી કેસના બનાવો દર વખતની જેમ બહાર આવે છે કેમ ?