કોરોના સામે વેક્સિન એકમાત્ર રામબાણ ઈલાજ:મેયર
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજથી 18 થી 59 વર્ષના નાગરિકો માટે વિનામૂલ્યે કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ આપવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ તકે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યુ હતુ કે,કોરોના સામે વેક્સિન રામબાણ ઈલાજ છે. તમામ લોકોએ બુસ્ટર ડોઝ લેવા તેઓએ અનુરોધ કર્યો હતો.
ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ આજથી 18 થી 59 વર્ષનાં તમામ નાગરિકો માટે કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાનો મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય કમિટી ચેરમેન રાજેશ્વરીબેન ડોડીયા, કોર્પોરેટર લીલુબેન જાદવ, ડે.કમિશ્નર આશિષકુમાર, એ.આર.સિંહ, આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણી, નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ, વોર્ડ નં.11ના મહિલા મોરચાના પ્રભારી મયુરીબેન ભાલારા તેમજ ડોઝ લેનાર લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.
18 થી 59 વર્ષના નાગરિકોએ કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો હોય તેને છ (6) મહિના પૂર્ણ થયા હોય તે તમામ નાગરિકો પ્રિકોશન ડોઝ લઇ શકશે. ઉપરાંત 60 વર્ષથી મોટી ઉંમરના નાગરિકો પણ કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ લઇ શકશે. સિવિલ હોસ્પિટલ પદ્મકુંવરબા, હોસ્પિટલ,શ્યામનગર આરોગ્ય કેન્દ્ર,નંદનવન આરોગ્ય કેન્દ્ર, નાનામવા આરોગ્ય કેન્દ્ર,મવડી આરોગ્ય કેન્દ્ર, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર ,શાળા નં. 28, વિજય પ્લોટ ,સદર આરોગ્ય કેન્દ્ર અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, રામનાથપરા આરોગ્ય કેન્દ્ર ,ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર , હુડકો, નારાયણનગર આરોગ્ય કેન્દ્ર , જંકશન આરોગ્ય કેન્દ્ર, માધાપર આરોગ્ય કેન્દ્ર , મોરબી રોડ, કોમ્યુનીટી હોલ, ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર , ઈંખઅ આરોગ્ય કેન્દ્ર, કબીરવન આરોગ્ય કેન્દ્ર, રામપાર્ક આરોગ્ય કેન્દ્ર , શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર , પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર ,કોઠારીયા આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની વેકસિનનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.
તમામ આરોગ્ય કેન્દ્રો પર સવારથી બુસ્ટર ડોઝ લેવા માટે લોકોની કતારો
18 વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ નિ:શુલ્ક આપવાના મહા અભિયાનનો આજથી રાજ્યભરમાં આરંભ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન આજે સવારે રાજકોટના તમામ આરોગ્ય કેન્દ્રો પર બુસ્ટર ડોઝ લેવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આરોગ્ય કેન્દ્રો પર લોકોની લાંબી લાઇનો લાગી હતી. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં હાલ દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બે દિવસ પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે 15 જુલાઇથી સતત 75 દિવસ સુધી દેશમાં 18 વર્ષથી વધુની વયના તમામ લોકોને કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ મફ્તમાં આપવામાં આવશે. આજે રાજકોટ ખાતે મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યૂટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહિતના પદાધિકારીઓ અને મ્યુનિ.કમિશનર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરના તમામ 22 આરોગ્ય કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલ તથા પદ્મકુંવરબા હોસ્પિટલ એમ કુલ 24 સ્થળોએ બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાના બે ડોઝ લીધા બાદ ત્રીજો ડોઝ લઇ વધુ સુરક્ષિત થવા માટે લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. બુસ્ટર ડોઝ આપવાની કામગીરીનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવે તે પૂર્વે જ આરોગ્ય કેન્દ્રોની બહાર લોકોની લાંબી કતારો લાગી હતી. રાજકોટમાં આઠ લાખથી પણ વધુ લોકો એવા છે કે જેઓએ કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો હોય તેને છ મહિનાથી વધુ પસાર થઇ ગયો હોય આવા તમામ લોકો બુસ્ટર ડોઝ લેવા માટે લાયક છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધાના નવ મહિનાનો સમય વિત્યા બાદ બુસ્ટર ડોઝ આપવામાં આવતો હતો. દરમિયાન હવે કેન્દ્ર સરકાર દ્વારા આ સમયગાળામાં
ઘટાડો કરવામાં આવ્યો છે અને વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ છ મહિના પછી બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ 75 દિવસમાં આઠ લાખથી વધુ લોકોને બુસ્ટર ડોઝ આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જો જરૂર જણાશે તો મહાપાલિકા દ્વારા બુસ્ટર ડોઝ માટે કેમ્પ પણ યોજવામાં આવશે. જે રીતે બુસ્ટર ડોઝ લેવા માટે લોકોમાં પ્રથમ દિવસથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે 75 દિવસમાં આઠ લાખથી વધુ લોકોને પ્રિકોશન ડોઝ આપવાનો લક્ષ્યાંક સરળતાથી પૂરો થઇ જશે.