૨૫ કેન્દ્રીય વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓ માટે ટેબલેટ વડે ડિજિટલ લર્નીંગ શરૂ થશે
દેશની ૨૫ કેન્દ્રીય વિદ્યાલયોમાં બાળકોના ભણતરનો ભાર ઘટાડવા માટે મસમોટા સ્કુલબેગના બદલે ટેબલેટ દ્વારા ડિજિટલ લર્નીંગની સુવિધા શ‚ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. એચઆરડી મિનીસ્ટર પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, એનસીઈઆરટીએ ધોરણ ૧ અને ૨ માટે બે જ પાઠય પુસ્તક રાખવામાં આવે તેના પર ભાર મુકયો છે. ત્યારે ધોરણ ૩ થી ૫ માટે ૩ પાઠય પુસ્તકો ઉપર ભાર મુકવામાં આવે છે. તેવામાં બાળકોને મોબાઈલ અને વેબ દ્વારા તમામ જ્ઞાન મળી રહે તે દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે.
સીબીએસઈએ પણ તેમની શાળાઓમાં ધોરણ ૨ સુધી બાળકોને સ્કુલબેગનું ભારણ ન આવે તે માટે સુચનો આપ્યા છે અને માટે પુરતા પગલા પણ લેવાઈ રહ્યાં છે. ત્યારે હવે ૨૫ કેન્દ્રીય વિદ્યાલયોમાં ડિજિટલ લર્નીંગનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમ દ્વારા ગણીત અને વિજ્ઞાનના પાઠ ભણાવવામાં આવશે. પાયલોટ પ્રોજેકટ બાદ આ કામગીરીને દેશની તમામ શાળાઓ સુધી પહોંચાડવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે.