અશ્વ સ્વાર કૌશલ્ય પ્રદર્શન, રેવાલ ચાલ, શણગારેલા અશ્વ, કાઠિવાડી વછેરો-વછેરીના વિવિધ કરતબોએ અશ્વપ્રેમીઓના દિલ જીત્યા
મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ચેરમેન સત્યજીતકુમાર ખાચર અને ઘનશ્યામજી આચાર્યએ આપી હાજરી
રાજયના પશુ પાલન ખાતા દ્વારા આજે જસદણમાં નવા માર્કેટ યાર્ડ નજીક ગૌતમભાઈ ધાંધલની વાડીમાં ૧૬માં કામા અશ્વશો તેમજ પ્રદર્શન અને રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, અશ્વ-શોના ચેરમેન દરબાર સત્યજીતકુમાર ખાચર, પાળીયાદ જગ્યાના મહંત નિર્મળાબા અને ઘનશ્યામજી આચાર્ય ભુવનેશ્વરી પીઠ ગોંડલ તેમજ આર.ડી.ઝાલા આઈપીએસ નિવૃતિ અધિકારી અને જસદણ નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞેશભાઈ હિરપરા તેમજ જસદણ શહેરના ભાજપ તથા વેપારી તેમજ અગ્રણીઓ તથા આગેવાનોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરી અશ્વ-શોને લીલી ઝંડી આપી હતી અને ખુલ્લુ મુકયો હતો.
આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૫ લાખની સહાય કરવામાં આવી છે તેમજ ગુજરાત સરકાર દ્વારા ૨૫ લાખની સહાય કરવામાં આવી છે.
આ અશ્વ-શોમાં કાઠીયાવાડી, મારવાડી તેમજ કચ્છી અશ્વ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. હાલ ગુજરાતમાં અશ્વની વસ્તી ૧૮૦૦૦ છે. આ અશ્વની વસ્તીમાં વધારો થાય તેમજ લોકોમાં તેની ચાહના વધે તે માટે રાજય સરકાર દ્વારા અનેક કાર્યક્રમો યોજી તેમજ આગામી દિવસોમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવશે અને અશ્વની વસ્તીમાં વધારો થાય તેવું ગુજરાત સરકાર ઈચ્છી રહી છે.
અશ્ર્વ-શોમાં શણગારેલા અશ્વો, કાઠીયાવાડી વછેરો-વછેરી, રેવાલ ચાલ, અશ્વ સ્વાર કૌશલ્ય પ્રદર્શન સહિતના વિવિધ કેટેગરી અંતર્ગત ઘોડાના કરતબો કરવામાં આવશે જેના વિજેતાઓને રૂ.૭ હજારથી ૨૫ હજારના રોકડ ઈનામની વણઝાર કરવામાં આવશે.
અશ્વ શોને લઈ અશ્વપ્રેમીમાં ભારે ઉત્સાહનો માહોલ છે ત્યારે સૌરાષ્ટ્રભરના અશ્વપ્રેમીઓ જસદણના અશ્વ-શોમાં પોતાના પાણીદાર અશ્વોને લઈ વિવિધ કરતબો લઈને આવી પહોંચ્યા છે. ત્રણ દિવસ સુધી ચાલનારા અશ્વ-શોમાં મોટી સંખ્યામાં ઉમટી અશ્વપ્રેમીઓ તેના ઘોડાની ગતિ અને ચપળતાની હરિફાઈ કરશે. સમગ્ર આયોજન રાજય પશુ પાલન ખાતા અને કાઠિયાવાડી હોર્સ બ્રિડર્સ એસો. દ્વારા કરવામાં આવ્યું છે.