જિલ્લા કલેકટર દ્વારા અભિયાન હેઠળ તળાવ – ચેકડેમો ઊંડા ઉતારવાની સાથે ટાંકી-ગટરની લાઈન સાફ કરવા સહિતની કામગીરી હાથ ધરાશે

પાંચ વર્ષથી સફળતાપૂર્વક ચાલતું સુજલામ સુફલામ જળ અભિયાન વર્ષ 2023માં પણ સફળતાપૂર્વક વહન કરે તે સંદર્ભે મુખ્ય સચિવ  રાજ કુમારના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુજલામ સુફલામ જળ અભિયાન – 2023ની સર્વે જિલ્લા કલેકટર ની  ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

મુખ્ય સચિવ રાજ કુમારે પ્રેઝન્ટેશન મારફત સર્વે જિલ્લા કલેકટરઓને સંબોધતા જણાવ્યું હતું કે, વર્ષ 2018થી શરૂ થયેલું સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ દર વર્ષે ખુબ સારી રીતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ 2023માં આ અભિયાન 17 ફેબ્રુઆરીથી 31 મે માસ સુધી ચાલનાર છે. આ વર્ષે પણ લોક ભાગીદારી, મનરેગા અને વિભાગીય કચેરીઓના સંકલન સાથે જળ સંચયનું કામ સુપેરે થાય અને નાગરીકોને તેનો લાભ મળે તેવા માઈક્રો પ્લાનીંગ સાથે અધિકારીઓને કામ કરવું જોઈએ.

સાથો સાથ કુમારે સુજલામ સુફલામ જળ અભિયાન માત્ર જળ સંચયલક્ષી ન બનતાં જાહેરહિતના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પણ કારણભૂત બને તે રીતે કામગીરી કરવાનું સુચન કર્યું હતું. આ તકે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ મુખ્ય સચિવનેં  રાજકોટ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ હાથ ધરવામાં આવનાર પ્લાનીંગ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમજ નાગરીકોના સ્વાસ્થ્યને અસર કરતી કામગીરીમાં જિલ્લાના 27 ડેમ, ચેકડેમ, વોટર સંપ, પાણી અને ગટરની પાઈપ લાઈન, વાસ્મો હેઠળની લાઈન, પીવાના પાણીના સ્ત્રોતની આજુબાજુની સફાઈ કરવા સહિતની કામગીરી કરવા આવશે.

ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં જિલ્લા કલેકટર એ સુજલામ સુફલામ જળ અભિયાન – 2023ને સફળ બનાવવા માટે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને પરિણામલક્ષી કામગીરી કરવા પર ભાર મુક્યો હતો. તેમજ આ અભિયાન મહત્ત્મ લોક ભાગીદારી સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  દેવ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર આશિષ  કુમાર, પ્રાદેશિક નગરપાલિકા નિયામક ધીમંત વ્યાસ, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એસ.ઠુંમર સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.