કવોરન્ટાઈન-કોરોનાના લક્ષણ ધરાવતા વિદ્યાર્થીઓ માટે અલગ બેઠક વ્યવસ્થા
રાજકોટ જિલ્લામાં આજે ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાયા બાદ આવતીકાલથી ૨૭મી ઓગસ્ટ સુધી ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સની પુરક પરીક્ષા યોજાશે. ત્યારે જો કોઈ વિદ્યાર્થી કવોરન્ટાઈન હોય કે પરિવારમાં કોઈને કોરોના હોય તો પણ પરીક્ષા દેવા આવી જ પડશે પરંતુ તેના માટે ખાસ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમ ડીઈઓએ જણાવ્યું હતું.
ડીઈઓ આર. એસ. ઉપાધ્યાયના જણાવ્યા મુજબ પરીક્ષા કેન્દ્રો પર આકસ્મિક મેડિકલ સુવિધા માટે ૨૧ તબીબો ખડેપગે રહેશે. ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનના ૨૧ આરોગ્ય કેન્દ્ર પર સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૩:૩૦ થી ૬:૩૦ સુધી તબીબો સેવા આપશે. પરીક્ષા કેન્દ્રો પર સોશિયલ ડિસ્ટન્સીંગનું પણ ચુસ્તપણે પાલન કરવાની સાથે સેનેટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ ગભરાવવા ની જરૂર નથી.
આ ઉપરાંત રાજ્યભરમાં કાલે ધો.૧૦ના દોઢ લાખથી વધુ વિદ્યાર્થી અને ધો.૧૨ સાયન્સના ૩૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા આપશે. વરસાદી માહોલ અને કોરોનાના સંકટ વચ્ચે પણ શિક્ષણ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ પરીક્ષા દરમિયાન પુરતુ ધ્યાન દેવામાં આવશે. જો કે હજુ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી. આગામી થોડા દિવસોમાં તેની પણ તારીખ જાહેર થઈ જશે.