પ્રથમ મંજૂર થયેલી અરજી કરનાર અરજદારને કલેકટરના હસ્તે મોમેન્ટો અર્પણ
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.રાજેશે આજે જણાવ્યું હતું કે, રાજયમાં બાંધકામની મંજૂરી આપવાની પ્રક્રિયામાં પરદર્શિતા જળવાઈ રહે તથા અરજદારોને તાત્કાલિક મંજૂરી મળી રહે તે માટે ઓન લાઈન બાંધકામની મંજૂરી આપવાનો રાજય સરકારે ઉમદા નિર્ણય કર્યો છે.
આ નિર્ણયના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તારોમાં પણ બાંધકામની અરજીઓ ઓન લાઈન કરવાની અને તેને મંજૂરી આપવાની પ્રક્રિયા પણ ઓન લાઈન જ કરવામાં આવશે. ઓન લાઈન પ્રક્રિયાને પ્રજાજનોએ સારો પ્રતિસાદ આપ્યો છે અને અંદાજે ૩૦૦ જેટલી અરજીઓ ઓન લાઈન મળી છે.
તેમ જણાવી શ્રી રાજેશે ડીઝીટલ ઈન્ડીયાના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સ્વપ્નને સમર્થન કરતી આ પધ્ધતિને વહીવટી તંત્રે પણ સરળતાથી અપનાવી છે. તેમ જણાવ્યું હતું.
શ્રી રાજેશે વધુમાં જણાવ્યું હતું કે, આવેલ અરજીઓ પૈકી સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રથમ વાર જ ઓન લાઈન મંજૂરી આપવામાં આવી છે. સુરેન્દ્રનગરના એન્જીનીયરશ્રી મનીષભાઇ શાહે બાંધકામની મંજૂરી માટે ઓન લાઈન અરજી કરી હતી.
તેમની તાત્કાલિક અરજી મંજુર કરીને નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવી હતી.. આ માટે પ્રજાજનોને પ્રોત્સાહિત કરવા માટે શ્રી મનીષભાઈ શાહને જિલ્લા કલેકટરશ્રીના હસ્તે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી મનીષભાઈ શાહે આ તબકકે રાજય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.