હરિદ્વારમાં આજથી કુંભ મેળાનો ભારે ધર્મ ઉલ્લાસ સાથે પ્રારંભ થયો છે. કુંભ મેળો 30 એપ્રિલ સુધી ચાલવાનો છે. દેશ અને દુનિયા માટે ધાર્મિક દ્રષ્ટિએ અતિ મહત્વના આ કુંભ મેળામાં દેશ-વિદેશથી અનેક ભાવિકો ઉમટી પડે છે. આ વખતે દેશમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે કુંભમેળામાં ભાગ લેવા માટે 72 કલાક પહેલાનો કોરોનાનો નેગેટીવ ટેસ્ટ રિપોર્ટ આપવો જરૂરી છે.
ભારતમાં દર 12 વર્ષે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજૈન અને નાસિકમાં કુંભમેળો યોજાય છે. આ વખતે કુંભમેળો હરિદ્વારમાં યોજાયો છે. અત્રે એ યાદ આપીએ કે આ વખતે અહીં યોજાયેલો કુંભ મેળો 11 વર્ષે યોજાઈ રહ્યો છે. આ વખતે કુંભ મેળામાં પવિત્ર ગંગામાં ડુબકી મારવા માટે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. દેશમાં કોરોનાની પ્રવર્તતી સ્થિતિ વચ્ચે સરકારે કુંભ મેળા માટે ખાસ માર્ગદર્શક સુચનાઓનું કડક પાલન કરવા તાકીદ કરી છે.
આ વખતે કુંભમેળામાં ચાર શાહી સ્નાન થશે. કુંભ મેળામાં 13 અખાડા ભાગ લઈ રહ્યા છે. આ અખાડાની ઝાંખી જોવા મળશે જેમાં સૌથી આગળ નાગા બાવા અને મહંત હશે. પાછળ મંડલેશ્ર્વર, મહામંડલેશ્ર્વર અને આચાર્ય મહામંડલેશ્ર્વર હશે.
83 વર્ષ પછી 12ના બદલે 11મા વર્ષે કુંભમેળો
અમૃત યોગનું નિર્માણ સમય ગણતરીના આધારે થાય છે. જયારે કુંભ રાશીનો ગુરૂ આર્યના સુર્યમાં પરિવર્તિત થાય છે એટલે ગુરૂ કુંભ રાશીમાં નથી હોતો એટલે આવું 11માં વર્ષે થતા આ વખતે 11માં વર્ષે કુંભમેળો યોજાયો છે. 83 વર્ષો પછી આવુ બન્યું છે. આ અગાઉ આવું 1760, 1885 અને 1938માં બન્યું હતું.
ચાર શાહી સ્નાન
કુંભમેળામાં ચાર શાહી સ્નાન થશે.
સોમવતી અમાસ (શાહી સ્નાન) -……. 12 એપ્રિલ
વૈશાખી (શાહી સ્નાન) – …………..14 એપ્રિલ
રામનવમી (શાહી સ્નાન) – ………….21 એપ્રિલ
ચૈત્ર પૂર્ણિમા (શાહી સ્નાન) – ……….27 એપ્રિલ