રાજકોટમાં જન્માષ્ટમી પર્વે યોજાતો પ્રખ્યાત લોકમેળો રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ૧૩/૮ થી ૧૭/૮ના પાંચ દિવસ યોજાવાનો છે. આ લોકમેળામાં ૩૨૧ જેટલા સ્ટોલ પ્લોટ ભાડે રાખવા ઈચ્છતા ધંધાર્થીઓ માટે આજથી ફોર્મ વિતરણ શ‚ કરવામાં આવ્યું છે. શાસ્ત્રી મેદાન પાસે આવેલા તોરલ બિલ્ડીંગ સ્થિત ઈન્ડિયન બેન્ક તથા જુની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી પ્રાંત-૧ની કચેરી ખાતે ફોર્મ વિતરણ અને સ્વીકાર કરવામાં આવશે. તા.૨૦ સુધી આ કામગીરી ચાલશે.
લોકમેળામાં પ્રથમ વખત રમકડાના સ્ટોલના ભાડામાં વધારો કરવામાં આવતા ૧૮ હજાર ભાડુ અને ૨ હજાર ડિપોઝીટ રાખવામાં આવી છે. આ ઉપરાંત સ્ટોલ માટે ભાડુ પણ ૧૨ હજારથી વધારીને ૧૮ હજાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મેળામાં નાના ધંધાર્થીઓને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેળામાં નબળી ગુણવતા ધાબડવામાં ન આવે તે માટે પણ ત્રણ ટીમો ઉતારવામાં આવશે. આ ટીમો ખાણીપીણી બાબતે પુરતુ ધ્યાન રાખશે. વધુમાં ગમે તે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય કોઈપણ હરાજીમાં ભાગ લઈ શકાશે.
વધુમાં હરાજીથી ફાળવણી સ્ટોલ પ્લોટની અપસેટ પ્રાઈઝ પણ વધારી દેવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષની આવકની સરેરાશ કાઢી તેના ૮૦ ટકા બેઈઝ પ્રાઈઝ રાખવામાં આવી છે. જેથી હરાજીની શરૂઆત ઉંચા ભાવથી જ થશે જેથી હરાજીનો સમય પણ ટુંકાશે.