સૌરાષ્ટ્રમાં આજે 59 દિવસ બાદ ફરી એસટી બસના પૈડા રોડ પર દોડતા થયા છે. રાજકોટ ડિવીઝનના ત્રણ જિલ્લામાં 75 શેડ્યુલ સાથે 450 ટ્રીપ આજે સવારથી જ શરૂ થઇ છે.
જેમાં રાજકોટ ડેપોમાં 12 શેડ્યુલ, ગોંડલ ડેપોમાં 12 શેડ્યુલ, જસદણ ડેપોમાં 8 શેડ્યુલ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના 9 ડેપોમાં 75 શેડ્યુલ બસ માટે તૈયાર કરવામાં આવ્યા છે. રાજકોટ ડેપોથી આજે સવારે એસટી બસ સેવા શરૂ થઇ ગઇ છે.
સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી બસ સેવા શરૂ રહેશે. રાજકોટથી લોધિકા, પડધરી, કોટડાસાંગાણી, ગોંડલ સહિતના તાલુકાઓની બસ ઉપડી રહી છે. ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ થઇ શકશે.
હાલ રાજકોટ ડેપો દ્વારા અલગ અલગ સ્થળ ખાતે 12 વાહનો દ્વારા સંચાલન કરવામાં આવશે. બસમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે એક બસમાં 30 મુસાફરો બેસાડવામાં આવી રહ્યા છે. અમરેલીમાં આજે 48 ટ્રીપ શરૂ કરવામાં આવી છે.