આજથી થી 9 નવે. સુધી રાજકોટના ઇન્ટરનેશનલ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટ રમાશે: પીજીવીસીએલની 12 મળી અને કોર્પોરેટની 1 એમ કુલ 13 ટીમ ભાગ લેશે
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી મોરબી દ્વારા અંતર વર્તુળ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આજ રોજ 3 નવેમ્બર 2022 થી 9 નવેમ્બર 2022 દરમિયાન રાજકોટ ખાતે ઇન્ટરનેશનલ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ માં 13 ટીમ ભાગ લેનાર છે જેને નોકાઉટ પદ્ધતિથી રમાડવામાં આવશે.
આજે સવારે 8.30 કલાકે આ ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન કરી શુભારંભ કરવામાં આવ્યો છે. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારંભમાં મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પીજીવિસીએલ એમ ડી વરુણકુમાર બરનવાલ તેમજ જોઇન્ટ એમડી પ્રીતિ શર્મા, આર જે વાળા ઉપસ્થિત રહ્યા હતા. બે વર્ષ બાદ યોજાનાર આ ટુર્નામેન્ટ બી. આર. વડાલિયા, હિતેન્દ્ર સિંહ રાણા અને કિશોરસિંહ જેઠવની અધ્યક્ષતામાં મોરબી સર્કલ દ્વારા હોસ્ટ કરાય રહ્યો છે. મેચની શરૂઆત કરતા પેહલા મોરબીમાં જુલતા પુલની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોની આત્માની શાંતિ માટે મૌન પાળ્યું હતું. આજ રોજ મોરબી સર્કલ તથા રાજકોટ રૂરલ સર્કલ વચ્ચે રમાનાર પ્રથમ મેચ માં મોરબી સર્કલે ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી શુભારંભ કર્યો છે.
દરેક ટીમ મેમ્બર ખૂબ જ જુસ્સાથી રમે તેવી દરેક મેમ્બરને શુભેચ્છાઓ
આજ થી 9 દિવસ સુધી ચાલનાર ઇન્ટર સર્કલ ટુર્નામેન્ટમાં પીજીવિસીએલની 12 ટીમ અને કોર્પોરેટની 1 એમ કુલ 13 ટીમ ભાગ લેનાર છે. જેના માટે ખેલાડીઓએ ખૂબ જ મહેનત કરી છે તથા દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. ત્યારબાદ ઇન્ટર કંપની તેમજ ઇન્ટર સ્ટેટ મેચ પણ રમાનાર છે. તો ભાગ લેનાર દરેક ટીમ મેમ્બર ખૂબ જ જુસ્સાથી રમે અને હું દરેક ખેલાડીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તેમ વરુણકુમાર બરનવાલ પીજીવિસીએલ એમ ડીએ જણાવ્યું હતુ.
સ્પોર્ટ્સ ઇવેન્ટસના આયોજનથી સહકાર અને ટીમ ભાવના વધે છે: પીજીવીસીએલ જોઈન્ટ એમડી પ્રીતિ શર્મા
પીજીવિસીએલ એ સમાજમાં આવશ્યક સેવા પૂરી પાડે છે ત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ જેવી અલગ અલગ સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવાથી કર્મચારીઓના કાર્ય ક્ષેત્રમાં પણ ટીમ ભાવના વધે છે, મારા મતે આ સાથે રાજકોટના અઘિકારીઓ વચ્ચે પણ આવી વિવિધ સ્પર્ધા યોજાવી જોઈએ જેથી વિવિઘ ફિલ્ડના અઘિકારીઓને તેમના કાર્ય ક્ષેત્રમાં પણ એકબીજાનો સાથ સહકાર મળતો રહે.
વિવિધ રમત-ગમતોથી ‘ફીટનેસ’ વધે છે
પીજીવિસીએલ દ્વારા યોજાયેલ આ ટુર્નામેન્ટમાં મને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યો છે ત્યારે આ જોઈને ખુશી થાય છે પીજીવિસીએલના કર્મચારીઓને તેમનાં વ્યસ્ત કાર્યમાંથી આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની તક મળી વધુ ને વધુ આવી સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન થાય જેથી કર્મચારીઓ પણ તેની તંદુરસ્તી જાળવી શકે. હું પણ રોજ ટેનીસ, ગોલ્ફ અને એક્સરસાઇઝ કરું છું. અધિકારીઓ તેમજ કર્મચારીઓ પર આવી રમત ખૂબ જ ફાયદાકારક છે. વિવિધ રમતો માં ભાગ લઈ દરેક વ્યક્તિ તણાવમુક્ત રહે તે ખૂબ જ જરૂરી છે. તેમ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતુ.
પીજીવિસીએલ માં દર વર્ષે સ્પોર્ટસ કેલેન્ડર યોજવામાં આવે છે જેમાં વિવિધ પ્રકારની ઇન્ડોર અને આઉટ ડોર ગેમ્સનો પણ સમાવેશ થાય છે જ્યારે આ વર્ષે મોરબી સર્કલને આ ઇવેન્ટ હોસ્ટ કરવાનો મોકો મળ્યો છે.આ મેચ બાદ ઇન્ટર કંપની અને ઇન્ટર સ્ટેટ મેચ પણ રમાનાર છે. તેમ જણાવીને બી.આર. વડાલીયાએ ઉપસ્થિત મહેમાનો તેમજ ‘અબતક’ મીડિયાનો આભાર માન્યો હતો.