‘સડક સુરક્ષા – જીવન રક્ષા’
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા આયોજન કરાયુ
કાર્યક્રમમાં ટ્રાફિક નિયમોનું પાલન કરનારાઓને પ્રોત્સાહિત કરાશે
રોડ અકસ્માતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે જેના માટે લોકોએ જાગૃતતા કેળવવાની જ‚રત છે. હેલ્મેટનો નિયમ છતાં લોકો હેલ્મેટ પહેરતા નથી અને નિયમો જાણે તોડવા માટે બનાવાયા હોય તેમ લોકો વર્તતા હોય છે જેને લઈ શહેરના પોલીસ હેડ કવાર્ટર ખાતે ૩૦માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીની તા.૪ થી ૧૦ ફેબ્રુઆરી સુધી કરવામાં આવી છે.
ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમમાં રાજકોટ શહેર પોલીસ અને આરટીઓ દ્વારા આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજરોજ સડક સુરક્ષા જીવન રક્ષા જેવા અનેક નારાઓ લગાવીને વાહન રેલી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમને રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ કલેકટર ડો.રાહુલ ગુપ્તા અને મ્યુનિ.કમિશનર બંછાનીધી પાની પણ જોડાયા હતા.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો સમજાવવામાં આવ્યા હતા. જેમાં હેલ્મેટ પહેરવું અને ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન કરવું જેના વિશે વધારે માહિતી આપવામાં આવી હતી. ૩૦માં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત લોકોને ટ્રાફિકના નિયમોથી જાગૃત કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરશે. આ સપ્તાહ દરમિયાન જેટલા લોકો ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન કરશે અને હેલ્મેટ પહેરીને વ્યવસ્થિત વાહન ચલાવશે તેવા લોકોને રાજકોટ શહેર પોલીસ તથા આરટીઓ ઈનામ આપી સન્માન કરશે.
વ્યસનોને કારણે કેન્સરની માત્રા વધી: મનોજ અગ્રવાલ
વર્લ્ડ કેન્સર ડે નિમિતે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કેન્સર જેવા જીવલેણ રોગો અંગે લોકોમાં જાગૃતતા લાવી જોઈએ અને અત્યારે સૌથી વધારે મોઢાનું કેન્સર લોકોને થાય છે જેનું મુખ્ય કારણ તબાકુ ખાવાથી થાય છે. જેથી લોકોએ તબાકુ ન ખાય તેવા લોકોને અમે અનુરોધ કરીએ છીએ અને વ્યસન મુકિત જેવા કાર્યક્રમો પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકોને જાગૃતિ લાવવા કાર્યક્રમો પણ કરવામાં આવે છે અને લોકોને સંદેશો પણ પાઠવ્યો હતો કે કેન્સર જેવા રોગોથી શારીરિક અને પૈસે ટકે પણ લોકોને ખુબ જ ધકકો પહોંચે છે તેથી લોકોએ પરીવારજનોને ધ્યાનમાં રાખી વ્યસન ન કરવું જોઈએ.