- રાજકોટ-સુરેન્દ્રનગરના ધોરણ 10માં 2,602 અને ધોરણ 12માં 1,623 વિદ્યાર્થીઓ એમ બન્ને મળીને 4,225 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે: 4 એપ્રિલ સુધી વિવિધ વિષયોની પરીક્ષા લેવાશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન દ્વારા આજથી રાજકોટ સહિત દેશભરના કેન્દ્રોમાં ધોરણ 10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા શરૂ થઇ છે. જેમાં ગુજરાત સહિત દેશભરની 30714 જેટલી સ્કૂલોના 42 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે રાજકોટ રીજનમાં એટલે કે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 48 પરીક્ષા કેન્દ્ર પર સીબીએસઈની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે.જેમાં ધોરણ 10માં 2,602 અને ધોરણ 12માં 1,623 વિદ્યાર્થીઓ એમ બન્ને મળીને 4,225 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.સીબીએસઈ દ્વારા દર વર્ષે 15મી ફેબ્રુઆરીથી ધોરણ10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ કરવામા આવે છે, ત્યારે આજે સીબીએસઈની ધોરણ 10-12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા શરૂ થઈ છે. જેમાં આજે સવારે 10:30થી 1:30 ધોરણ 10માં પ્રથમ પેપર અંગ્રેજી કમ્યુનિકેટિવ અને અંગ્રેજી લેન્ગવેજ એન્ડ લીટરેચરનું લેવાઈ રહ્યું છે, તેમજ ધોરણ 12માં પ્રથમ પેપર આંત્રપ્રિન્યોરશિપ વિષયનું લેવાશે. ધોરણ 10માં 18મી માર્ચ સુધી પરીક્ષા ચાલશે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ રહેશે, તેમજ વિદ્યાર્થી મોબાઈલ કે સ્માર્ટવોચ સાથે કેન્દ્રની અંદર પકડાશે તો પોલીસ કેસ નોંધાશે. તમામ સ્ટાફને પરીક્ષા માટે બોર્ડ દ્વારા ટ્રેઈન કરાયો છે. આ વર્ષથી તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી તો ફરજિયાત છે જ, પરંતુ પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી મોનિટરિંગ ઓફિસર મૂકવાનો નવો નિયમ બનાવવામાં આવ્યો છે. જેમાં પરીક્ષા કેન્દ્રમાં 240 વિદ્યાર્થીઓ અથવા 10 ક્લાસરૂમ વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને ફરજ સોંપવામાં આવશે. આ ઓફિસર ચાલુ પરીક્ષા દરમિયાન સતત સીસીટીવી ઉપર નજર રાખશે. આ ઉપરાંત તેના પર દિલ્હી ખાતેના કંટ્રોલરૂમની પણ નજર રહેશે. પરીક્ષાનું પરિણામ ન આવે ત્યાં સુધી એટલે કે, અંદાજે બે મહિનાથી વધુ સમય સુધી સમગ્ર પરીક્ષાનું સીસીટીવી રેકોર્ડિંગ જે તે પરીક્ષા કેન્દ્રોએ ફરજિયાત રાખવું પડશે.