હિતેશ રાવલ, સાબરકાંઠા: કોરોનાકાળમાં માતા પિતા ગુમાવનાર નિરાધાર બનેલા બાળકોની આધાર બનવાની સંવેદનશીલતા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દાખવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની નેતૃત્વવાળી સરકારના ૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૨૯ મે જાહેર થયેલ મુખ્યમંત્રી બાળસેવા યોજનાના માત્ર ૩૮ દિવસમાં રાજયવ્યાપી આગવી સંવેદના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રગટ કરી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજયમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રારંભ ગાંધીનગર ખાતેથી કરાવ્યો હતો. ત્યારે આ યોજના અંતર્ગત કોરોનાની મહામારી દરમિયાન મા-બાપ ગુમાવી નિરાધાર બનેલા ૩૬ બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત રૂ. ૪૦૦૦ની સહાયનો આજથી આરંભ કરાયો છે.
મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ ૦ થી ૧૮ વર્ષ સુધીની વયના જે બાળકોના માતા-પિતાનું કોરોનાના સમયગાળામાં અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય દરમહિને ૪૦૦૦ની સહાય રાજ્ય સરકાર આપશે
જે બાળકને ૧૮ વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ર૧ વર્ષ સુધી આફટર કેર યોજનામાં આવરી લઇ મહિને ૬ હજારની સહાય સરકાર આપશે. ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો યુવક-યુવતિઓને ર૪ વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજનામાં પ્રતિમાસ ૬ હજાર રૂપિયા સહાય મળશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરૂભાઇ પટેલ, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, નગરપાલિકા પ્રમુખ યતીનબેન મોદી, જિલ્લા કલેકટર હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સંગવાન સહિત જિલ્લાના અગ્રણીઓ અને અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.