શાળાઓમાં વધારાની જગ્યાઓમાં વિદ્યાર્થીઓ માટે રિડીંગ રૂમ બનાવો : ડે.મેયર ડો.દર્શિતા શાહની મ્યુની. કમિશનરને રજૂઆત
રાજકોટ મહાનગરપાલિકા હસ્તક જુદી જુદી લાઈબ્રેરીની સુવિધામાં વધારો કરવા સંદર્ભ ડે.મેયર ડો. દર્શીતાબેન શાહે મ્યુની. કમિશનરને રજૂઆત કરેલ છે. એક નવી લાઈબ્રેરી બનાવવાની કામગીરી ચાલુ છે. તેમજ હાલ રાજકોટ શહેરનો દિન પ્રતિદિન વિકાસ થતો જોવા મળે છે તેમજ રાજકોટ શહેરમાં આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓ પણ અહી અભ્યાસ માટે આવતા હોઈ છે. તેમજ શહેરમાં આવેલ જુદી જુદી લાઈબ્રેરીઓનો વિદ્યાર્થીઓ તથા શહેરીજનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈ જેથી લાઈબ્રેરીની સુવિધામાં વધારો કરી વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી જરૂરી છે.
શહેરના જે જે વોર્ડમાં જ્યાં જ્યાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની શાળાઓ આવેલ છે આ શાળાઓમાં જો વધારાની જગ્યા હોય તો અથવા શાળાઓના ઉપરના ભાગે બાંધકામ કરી વિદ્યાર્થીઓ માટે રીડીંગ રૂમ બનાવવો જરૂરી છે જેથી વિદ્યાર્થીઓને પોતાના રહેણાંકથી નજીક વાંચનની સુવિધા મળી રહે. તેમજ લાઇબ્રેરીઓમાં એ.સી. ની સુવિધા આપવી પણ જરૂરી છે. હાલ લગભગ તમામ લાઇબ્રેરીઓમાં રૂફટોપ સોલાર સિસ્ટમ મુકવામાં આવેલ છે જેથી લાઈટબીલમાં કોઈ મોટો વધારો આવે તેમ નથી અને વિદ્યાર્થીઓને અને શહેરીજનોને વધુ સારી સુવિધા મળી શકે તેમ છે. શ્રોફ રોડ પર આવેલ દતોપંથ ઠેંગડી પુસ્તકાલય જ્યાં ઘણાબધા વિદ્યાર્થી અને શહેરીજનો આ લાઈબ્રેરીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે.
તેમજ અહી અંદાજીત 8000 ઉપર સભ્યોની સંખ્યા છે આ તમામ લાઈબ્રેરીઓમાં જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસો શરુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ તથા નોકરી વાંચ્છુક યુવાનોને લાભ મળી રહે તેમજ આ યુવાનો ભવિષ્યમાં શહેરનું નામ પણ રોશન કરી શકે આ ક્લાસ માટેના તજજ્ઞો દ્વારા માનદ સેવા પણ મળી શકે તેમ છે. તો આ જગ્યા પર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ક્લાસ શરુ કરવા જરૂરી છે. તેમજ લાઈબ્રેરીમાં હાલ નીચેના માળે વાઈ-ફાઈ સુવિધા ઉપલબ્ધ છે જયારે ઉપરના માળ પર પણ વાઈ-ફાઈ સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ અહી આવેલ ચિલ્ડ્રન લાઈબ્રેરીને વધુ સારી સુવિધા માટે ડીજીટલ કરવા રજૂઆત કરવામાં આવેલ છે.
વધુમાં ડે.મેયર ડો. દર્શીતાબેન શાહે રજુઆતમાં જણાવેલ છે કે, શહેરના વિદ્યાર્થીઓ, શહેરીજનો અને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા યુવાનોની વાંચન પ્રત્યેની રુચિમાં વધારો થાય અને વધુ સારી સુવિધા રહે જે સંદર્ભ મ્યુની. કમિશનરને વિસ્તૃત રજૂઆત કરવામાં આવેલ છે.