મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની સાથે બજેટની રિવ્યુ બેઠક યોજતા મેયર સહિતના પદાધિકારીઓ: કામમાં ઢીલ ન રાખવા કડક તાકીદ
રાજકોટ મહાનગરપાલિકાના ચાલુ સાલના બજેટમાં મુકવામાં આવેલા પ્રોજેકટ ઝડપથી શરૂ કરવા અને અલગ અલગ શાખાઓ દ્વારા વિકાસકામોને લગતી દરખાસ્તો ઝડપથી સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ મોકલવા માટે આજે મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા અને સ્ટે.કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાસે બોલાવેલી તાકીદની રિવ્યુ બેઠકમાં સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે.
આજે સવારે મેયર બિનાબેન આચાર્યએ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીને તેડુ મોકલી પોતાની ચેમ્બરમાં હાજર થવા જણાવ્યું હતું. દરમિયાન મ્યુનિ.કમિશનર સાથે મહાપાલિકાના મુખ્ય ત્રણ પદાધિકારીઓ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી અને ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં મ્યુનિ.કમિશનરને એવી તાકીદ કરવામાં આવી હતી કે, ચાલુ સાલના બજેટમાં મુકવામાં આવેલા પ્રોજેકટ ઝડપથી શરૂ કરવા, આ ઉપરાંત કમિશનર બ્રાંન્ચ તરફથી સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ મોકલવામાં આવતી દરખાસ્તોમાં ખૂબજ ઢીલ રાખવામાં આવે છે જેના કારણે જયારે ૧૫ થી ૨૦ દિવસે જયારે સ્ટેન્ડીંગ મળે ત્યારે થોકબંધ દરખાસ્તો ભેગી થઈ જાય છે આવું ન બને તે માટે દરખાસ્તો ઝડપથી મોકલી દેવા તાકીદ કરવામાં આવી છે. ૧૫૦ રીંગ રોડ પર મવડી ચોકડી અને રૈયા ચોકડી ખાતે બની રહેલા બ્રિજનું કામ પણ ઝડપથી પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે.