હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેના ચાર્જની સીલીંગ (મહત્તમ મર્યાદા) પણ નકકી કરાઈ
રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવારનો વધુ એક વિકલ્પ પ્રાપ્ત થાય તેવા હેતુથી આજે તા. ૧૯-૬-૨૦૨૦ ના રોજ સ્ટાર સીનર્જી હોસ્પિટલ કોરોના માટે ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરી હતી. સાથોસાથ આ હોસ્પિટલમાં સારવાર લેવા ઇચ્છતા કોરોનાના દર્દીઓ હોસ્પિટલના ચાર્જીસથી પણ વાકેફ રહે તે માટે કોરોનાની સારવાર માટેના ચાર્જની સીલીંગ (મહત્તમ મર્યાદા) પણ નક્કી કરવામાં આવેલ છે.
આ વિશે વાત કરતા મ્યુનિ. કમિશનરે એમ જણાવ્યું હતું કે, શહેરની હોસ્પિટલોમાં કેટલાક બેડ કોરોનાના દર્દીઓ માટે અનામત રાખવાને બદલે શહેરની જે તે આખી હોસ્પિટલ જ કોરોના માટે ડેઝીગ્નેટેડ થાય એ વધુ હિતાવહ અને ઇચ્છનીય ગણાય. કોરોનાના દર્દીઓ અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લેવા જાય એના કરતા સુનિશ્ચિત કરાયેલી હોસ્પિટલોમાં જ તેઓની સારવાર થાય એ સૌ કોઈ માટે વધુ સારો વિકલ્પ જણાય છે. જે લોકો સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેવા ઇચ્છુક ના હોય તેઓ માટે હવે સ્ટાર સીનર્જી હોસ્પિટલનો વધુ એક વિકલ્પ પ્રાપ્ત ઉપલબ્ધ બનાવવામાં આવેલ છે. જેમાં સ્પે. ડોક્ટર અને સુપર સ્પે. ડોક્ટરની સેવા માટેના ચાર્જીસની સીલીંગ મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવેલ છે. જો રાજકોટમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધુ હોસ્પિટલની આવશ્યકતા જણાશે તો જે હોસ્પિટલ ડેડીકેટેડ હશે તેને કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવશે. અહી એ ખાસ યાદ અપાવીએ કે સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર વિનામૂલ્યે જ કરવામાં આવી રહી છે.