રખડતા ઢોર, બિસ્માર રસ્તા અને ટ્રાફિક-પાર્કિંગની સમસ્યાને લઈને આજે હાઇકોર્ટે પોલીસનો ઉધડો લીધો હતો. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનના મ્યુનિસિપિલ કમિશનર તેમજ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને આકરા શબ્દોમાં કહી દીધું હતું કે હવે એક સપ્તાહનો સમય છે જો ફેરફાર નહી લાવી શકો તો કોર્ટ પોતાની રીતે કાર્યવાહી કરશે.
અમદાવાદ કોર્પોરેશનના મ્યુનિસિપિલ કમિશનર, પોલીસ કમિશનર તેમજ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને એક અઠવાડિયાનો સમય આપ્યો, જો ફેરફાર નહિ આવે તો કોર્ટ પોતાની રીતે કાર્યવાહી કરશે : આગામી સુનાવણી 7 નવેમ્બરે થશે
ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તા, રખડતા ઢોર, ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા મામલે અધિકારીઓને રુબરુ હાજર રહેવાનો હુકમ કર્યો હતો. જેમાં હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશનના મ્યુનિસિપિલ કમિશનર, પોલીસ કમિશનર તેમજ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને હાજર રહેવા આદેશ આપ્યો હતો. આ સુનાવણીમાં હાઇકોર્ટે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટે કડક શબ્દોમાં જણાવ્યુ છે કે, સ્થિતી સુધારવા અમે એક સપ્તાહનો સમય આપીએ છીએ. લોકો નથી સુધરી રહ્યાં તો એ તંત્રની જવાબદારી છે. 7 નવેમ્બર સુધી માં કડક કાર્યવાહી કરવી પડશે. બદલાવ નહિ દેખાય તો ચલાવી લેવામાં આવશે નહિ.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ગૃહવિભાગ અને કોર્પોરેશન એક સાથે આવીને જમીન પર કામ કરે. મ્યુનિસિપાલિટીએ પોલિસી રજૂ કરી અને શહેર બહાર ઢોરાવાળા બનાવવાની વાત કરી, ઢોરોને ટેગિંગ કરવાની વાત કરી પણ જમીન પર હકિકત જુદી દેખાઈ રહી છે.
કાર્યવાહી કરવાના સમયે કર્મચારીઓને પ્રોટેક્શન ના મળતા કોઇ જ નિયમોની અમાલવારી નથી થઈ રહી. નિયમની અમાલવારી કરવામાં જે કોઇ વચ્ચે આવે એની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરો. હાઈકોર્ટે કહ્યું કે, કાર્યવાહી થાય છે પરંતુ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરિટી પાસેથી રિપોર્ટ મળ્યો છે, જે ખુબ ગંભીર છે.
હાઈકોર્ટે અંતે કહ્યું કે, જમીન પર કાર્યવાહી નહીં દેખાય તો અમને ચાર્જ ફ્રેમ કરવાની ફરજ પડશે, ઓર્ડર તૈયાર છે માત્ર સહી કરવાની વાર છે. આ સાથે જ હાઈકોર્ટે વધુ સુનાવણી 7 નવેમ્બરે મુલતવી કરી છે.
તંત્રની બધી કામગીરી કાગળ ઉપર, અમે હવે કંટાળી ગયા છીએ : હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, હવે અમે કંટાળી ગયા છીએ, બધી જ કામગીરી કાગળ પર છે જમીન પર નહીં. કોર્ટના અગાઉના નિર્દેશનું પાલન પણ નથી થઈ રહ્યું. પોલીસ પેટ્રોલિંગ મજબૂત કરો. પોલીસની કામગીરીની છબી સારી ઉભી કરવાની હાઈકોર્ટે ટકોર પણ કરી. ફિલ્ડમાં જાવ, રોડ જુવો, ઢોર જુવો અને ટ્રાફિક પણ જુવો તો ખ્યાલ આવશે કે શહેરની પ્રજા કેવી સમસ્યાથી પીડાય છે.
અધિકારીઓ જવાબદારી નહિ નિભાવે તો ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટના ચાર્જીસ પણ ફ્રેમ થશે : હાઈકોર્ટ
હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં કોર્ટે ટકોર કરતા કહ્યુ કે, દેશના નાગરિકોની સુરક્ષા બોર્ડર પર ઉભેલી આર્મી કરે છે જ્યારે રાજ્યમાં રહેતા નાગરિકોની જવાબદારી પોલીસની છે. પોલીસને જે જુદા જુદા રેન્ક આપવામાં આવે છે તેનાથી પાવરની સાથે જવાબદારી પણ આવે છે. એટલે લોકોની સુરક્ષાની જવાબદારી પોલીસની હોય છે જે સારી રીતે નિભાવવામાં આવે નહીં તો કોર્ટ ઘણી જ ગંભીર છે અને જરૂર પડવા પર કોર્ટ ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટના ચાર્જીસ પણ ફ્રેમ કરશે.
ખુરશીમાં બેઠા રહેવાને બદલે કામ કરો : હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે તંત્રનો ઊધડો લેતા કહ્યું કે, સવારે શહેરની હાલત જુઓ કેવી છે. જનતા પોતે કામગીરીનો રિપોર્ટ નબળો આપે છે. હાઈકોર્ટે કડક શબ્દોમાં અધિકારીઓને કહ્યું કે, ખુરશીમા બેસી રહેવાને બદલે કામ કરો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર પર રોડ પરથી અતિક્રમણ હટાવવા મામલે થયેલા હુમલા અંગે ઉદાહરણ આપીને હાઈકોર્ટે કહ્યું કે, અધિકારીઓ પર હુમલા થાય છે તો એ સમયે પોલીસ કયા છે? જો કર્મચારીઓ ડ્રાઇવ કરી રહ્યા હોય તો બંને વિભાગોને એ અંગે જાણકારી હોવી જોઈએ.