- પોલિસી ધારકોના ડેટામાં નામ, સરનામું, ઈમેલ, મોબાઈલ નંબર, ટેક્સની વિગતો, ટેસ્ટ રિપોર્ટ્સ અને રોગની સારવાર તેમજ મેડિકલ રિપોર્ટ્સ જેવી માહિતીઓ લીક કરાઈ
- આરોગ્ય વીમા કંપની સ્ટાર હેલ્થના 3.1 કરોડ ગ્રાહકોનો ડેટા લીક થઈ ગયો છે. આ ડેટા ટેલિગ્રામ પર ચેટબોટ દ્વારા ઉપલબ્ધ છે. ગ્રાહકના ડેટામાં નામ, સરનામું, ઈમેલ, મોબાઈલ નંબર, ટેક્સની વિગતો, ટેસ્ટ રિપોર્ટ્સ અને રોગની સારવાર તેમજ મેડિકલ રિપોર્ટ્સ જેવી માહિતીનો સમાવેશ થાય છે.
એક રિપોર્ટ અનુસાર, સ્ટાર હેલ્થના ગ્રાહકોની અંગત માહિતી વેચાણ માટે ઉપલબ્ધ હતી. વીમા પોલિસી અને દાવાઓના દસ્તાવેજો ચેટબોટનો ઉપયોગ કરીને ડાઉનલોડ કરી શકાય છે. સ્ટાર હેલ્થે જણાવ્યું હતું કે અધિકારીઓને કથિત ગેરકાયદે ડેટા લીકની જાણ કરવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડેટા સાથે ચેડા કરવામાં આવ્યા નથી અને તે સુરક્ષિત છે. યુકેના સુરક્ષા સંશોધક જેસન પાર્કરે જણાવ્યું હતું તેણે ઓનલાઈન હેકર ફોરમ પર પોતાની જાતને સંભવિત ખરીદનાર તરીકે રજૂ કરી હતી. ત્યાં, જેનઝેન નામના યુઝરે કહ્યું કે તેણે ચેટબોટ્સ બનાવ્યા છે અને તેની પાસે સ્ટાર હેલ્થના 3.1 કરોડથી વધુ ગ્રાહકો સાથે સંબંધિત 7.24 ટેરાબાઈટ ડેટા છે. એક અહેવાલ મુજબ કેટલાક ડેટા જુલાઈ 2024ના છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો આ ચેટબોટ હટાવી દેવામાં આવશે તો થોડા કલાકોમાં બીજો ચેટબોટ ઉપલબ્ધ થશે. સ્ટાર હેલ્થે 14 ઓગસ્ટના રોજ સ્ટોક એક્સચેન્જોને જણાવ્યું હતું કે તે કેટલાક દાવાના ડેટાના ભંગની તપાસ કરી રહી છે. એક અજાણ્યા વ્યક્તિએ 13 ઓગસ્ટના રોજ તેના કેટલાક ડેટાની ઍક્સેસ હોવાનો દાવો કર્યો હતો. જે બાદ વીમા કંપનીએ સાયબર ક્રાઈમ વિભાગને આની જાણ કરી.
બે ચેટબોટ સ્ટાર હેલ્થ ડેટા પ્રદાન કરે છે. એક પીડીએફમાં અને બીજું યુઝર્સને એક ક્લિક પર પોલિસી નંબર, નામ અને અન્ય માહિતી આપે છે. હેકર્સે કેરળની એક હોસ્પિટલમાં પોલિસીધારક સંદીપ ટીએસની પુત્રીની સારવાર સંબંધિત રેકોર્ડ જાહેર કર્યા છે. તેમાં તમામ માહિતી સાથે 15,000 રૂપિયાનું બિલ પણ છે. સંદીપે કહ્યું, આ બધો તેમનો ડેટા છે. ચેટબોટે ગયા વર્ષે પોલિસીધારક પંકજ સુભાષ મલ્હોત્રાનો દાવો પણ લીક કર્યો હતો. ડેટા હિસ્સામાં અને ચેટબોટ્સ દ્વારા મફતમાં ઉપલબ્ધ છે. જોકે, બલ્ક ડેટા માટે પાર્કર પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી.
ટેલિગ્રામ પર ચેટ બોટ તમામ પોલિસી ધારકોની વિગતો આપી રહ્યું છે
અહેવાલમાં જણાવ્યા અનુસાર એક્સેન ઝેન નામના યુઝરે ટેલિગ્રામમાં ચેટબોટ બનાવ્યો છે. આ ચેટબોટ દ્વારા સ્ટાર હેલ્થ યુઝર્સના ઘણા દસ્તાવેજો જેમ કે પોલિસી વિગતો, દાવાની માહિતી અને મેડિકલ રિપોર્ટ્સ પણ એક્સેસ કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, ચેટબોટમાં 1500 થી વધુ ફાઇલો છે, જેમાં નામ, ફોન નંબર, સરનામું, ટેક્સ વિગતો, આઈડી કાર્ડની નકલ, પરીક્ષણ પરિણામો અને સ્ટાર હેલ્થ ગ્રાહકોની તબીબી તપાસ જેવા દસ્તાવેજો છે.