અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે ચેરમેન પુષ્કરભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ 38 દરખાસ્તોને મંજૂરીની મહોર મારી રૂા.29.10 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. શહેરના વોર્ડ નં.1 અને વોર્ડ નં.9માં અલગ-અલગ વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા ડીઆઇ પાઇપલાઇનનું નેટવર્ક બિછાવવામાં માટે રૂા.7.65 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં મૂળ કામ કરતાં રૂા.2.88 કરોડની ઓનની લ્હાણી કોન્ટ્રાક્ટરોને કરવામાં આવી છે.
ડીઆઇ પાઇપલાઇનના કામમાં કોન્ટ્રાક્ટરોને રૂા.2.88 કરોડની ઓનની લ્હાણી
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે વોર્ડ નં.1માં જામનગર રોડ અને ઘંટેશ્ર્વરના નાગેશ્ર્વર વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇન અને વાલ્વ નાંખી નેટવર્ક ઉભું કરવાના કામ માટે આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂા.1.47 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ કામ 27.51 ટકા ઓન સાથે સિધ્ધાર્થ ક્ધસ્ટ્રક્શનને આપવામાં આવ્યું છે. આ કામથી 35,00 લોકોને લાભ થશે. આ ઉપરાંત વોર્ડ નં.1માં રૈયાધાર, ઇએસઆર-મચ્છુનગર પીપીપી આવાસ યોજનાથી ન્યૂ ગાર્બેજ સ્ટેશનથી આગળ જામનગર રોડ પર એફસીઆઇના ગોડાઉન સુધી 400 એમએમ ડાયાની ડીઆઇ પાઇપલાઇન નાંખવા માટે રૂા.1.08 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ કામ 22.40 ટકા ઓન સાથે કેએસડી ક્ધસ્ટ્રક્શનને આપવામાં આવ્યું છે. જેનાથી 3500 લોકોને પીવાનું શુદ્વ પાણી મળી રહેશે. જ્યારે વોર્ડ નં.1માં રૈયાધાર વિસ્તારમાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ડીઆઇ પાઇપલાઇન નાખવાનું ઓમ ક્ધસ્ટ્રક્શનને 21.59 ટકા ઓન સાથે રૂા.17.66 લાખમાં સોંપવામાં આવ્યું છે.
ચેરમેન પુષ્કરભાઇ પટેલના મતવિસ્તાર એવા વોર્ડ નં.9માં અલગ-અલગ વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇન માટે રૂા.5 કરોડનો ખર્ચ થશે જ્યારે વોર્ડ નં.1માં ડીઆઇ નેટવર્ક માટે 2.65 કરોડના ખર્ચને મંજૂરીની મહોર: સ્ટેન્ડિંગમાં તમામ 38 દરખાસ્તોને અપાઇ બહાલી
તેઓએ વધુ ઉમેર્યું હતું કે વોર્ડ નં.9માં સંજય વાટીકા તથા પ્રશિલ પાર્કમાં 300 એમએમથી 100 એમએમ ડાયાની પાઇપલાઇન નાંખવા માટે રૂા.1.09 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ કામ 37 ટકા ઓન સાથે હાઇબોન્ડ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમીટેડને સોંપવામાં આવ્યું છે. જેનાથી આશરે 12,00 લોકોને ફાયદો થશે. વોર્ડ નં.9માં મુંજકામાં 300 એમએમની ડાયાની ડીઆઇ પાઇપલાઇન નાખવા માટે રૂા.3.83 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ કામ 37 ટકા ઓન સાથે હાઇબોન્ડ ઇન્ફ્રા પ્રાઇવેટ લીમીટેડને આપવામાં આવ્યું છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ 38 દરખાસ્તોને બહાલી આપી રૂા.29.10 કરોડના વિકાસકામો મંજૂર કરાયા છે.
હોસ્પિટલ ચોક બ્રિજ માટે કપાતમાં ગયેલી જમીનના બદલામાં રેલવેને રૂા.1.94 કરોડનું વળતર
સતત ટ્રાફીકથી ધમધમતા એવા હોસ્પિટલ ચોકમાં હાલ ટ્રાએંગલ બ્રિજનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. બ્રિજ માટે રેલવે વિભાગની જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે. કપાતમાં જતી જમીનના બદલામાં રેલવે વિભાગને રૂા.1.94 કરોડનું વળતર ચુકવવાની દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ કમિટીએ બહાલી આપી હતી. આ ઉપરાંત શહેરમાંથી નીકળતા ક્ધસ્ટ્રક્શન અને ડીમોલીશન વેસ્ટનું પ્રોસેસિંગ કરવા માટે રિ-સાઇકલિંગ પ્લાન્ટ સ્થાપવાનું દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે. તમામ ક્ધસ્ટ્રક્શન અને ડિમોલીશન વેસ્ટ એક જ સ્થળે નિકાલ થાય તે માટે હવે ટૂંક સમયમાં ખાસ પ્રકારની એક પોલીસી પણ તૈયાર કરવામાં આવશે. આજે સ્ટેન્ડિંગમાં ટ્રેનેજના કામો માટે રૂા.54.14 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. જ્યારે 100 નંગ ટીપરવાન ખરીદવા માટે 7.40 કરોડ અને 1000 નંગ વ્હીલબરો ખરીદવા માટે રૂા.1.40 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. વોર્ડ નં.11માં શ્રીસીતાજી ટાઉનશીપના શોપિંગ સેન્ટરની દુકાનની હરરાજીથી મહાપાલિકાને રૂા.2.30 કરોડની આવક થવા પામી છે.
આરોગ્ય સેવાને વધુ સુદ્રઢ બનાવવા 237નું સેટઅપ મંજૂર, રાજ્ય સરકારની ગ્રાન્ટ આધારિત સેટઅપને સ્ટેન્ડિંગની બહાલી
કોર્પોરેશનની આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અર્બન હેલ્થ અંતર્ગત યુપીએચસીની વર્ગ-2 અને વર્ગ-3ની મંજૂર કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્ય સરકારની ગ્રાન્ટ આધારિત 237 જગ્યાઓ ઉભી કરવા માટે આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બહાલી આપવામાં આવી છે. જેમાં તમામ 21 આરોગ્ય કેન્દ્રો માટે હેલ્થ સ્ટાફને ભરતી કરવામાં આવી છે. 14 મેડિકલ ઓફિસર, 7 લેબ ટેકનિશિયન, 9 ફાર્માસિસ્ટ, 21 હેલ્થ સુપર વાઇઝર, 48 હેલ્થ વર્કર અને 107 મેઇલ હેલ્થ વર્કરનો સમાવેશ થાય છે. આ 237 હેલ્થ કર્મચારીઓનું સેટઅપ જ્યાં સુધી રાજ્ય સરકારની ગ્રાન્ટ મળતી રહેશે ત્યાં સુધી જ ચાલુ રાખવામાં આવશે.