પશુ નિયંત્રણ માટેના નવા કાયદાની અમલવારી: નવા પે એન્ડ પાર્ક, સખી મંડળોની ગ્રાન્ટમાં વધારો કરવા, રેલનગરમાં બગીચો બનાવવા સહિતની દરખાસ્તો
રાજકોટ મહા નગર પાલિકામાં આવતીકાલે સવારે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. જેમાં અલગ-અલગ 41 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. શહેરીજનોને રખડતા-ભટકતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલી પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા રાજકોટમાં લાગૂ કરવામાં આવશે.
કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અગાઉ પેન્ડિંગ રાખવામાં આવેલી રોડ પહોળો કરવા માટે કપાતમાં જતી મિલકતના અસરગ્રસ્તો વળતર આપવા ઉપરાંત ત્રણેય ઝોનમાં વરસાદ દરમિયાન રોડને થયેલા નુકશાની બાદ રોડનું રિપેરીંગ કરવા, જુદા-જુદા હાઉસીંગ પ્રોજેક્ટ માટે સોશ્યો ઇકોનોમિક સર્વે કરવા એજન્સીની નિયુક્તી કરવા, વોર્ડ નં.11 અને 12માં ડ્રેનેજ લાઇન માટે હાઉસ કનેક્શન ચેમ્બર બનાવવા, અલગ-અલગ વોર્ડમાં કાર્યરત મિત્ર મંડળોની ગ્રાન્ટમાં વધારો કરવા, હર ઘર તિરંગા અભિયાન અન્વયે થયેલા ખર્ચને બહાલી આપવા, કર્મચારીઓની હાજરી પૂરવા માટે બાયોમેટ્રીક મશીનની ખરીદી કરવા, શ્ર્વાન વંધીકરણ અને હડકવા વિરોધી રસીકરણ માટેની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવા, રેલનગરમાં નવો બગીચો બનાવવા, રેન બસેરાનું સંચાલન સેવાકીય સંસ્થાઓને સોંપવા, અલગ-અલગ રોડ પર પે એન્ડ પાર્કિંગ માટે જગ્યાની ફાળવણી કરવા, કોર્પોરેશનના જૂના સ્ક્રેપ વાહનોનું ઇ-ઓક્શનથી વેંચાણ કરવા, પ્રદ્યુમન પાર્કમાં પ્રાણીઓ માટે લીલાચારાની ખરીદી કરવાનો કોન્ટ્રાક્ટ આપવા, વોર્ડ નં.14માં કુંભારવાડા-14 નવી આંગણવાડી બનાવવા, વોર્ડ નં.9માં અલગ-અલગ સોસાયટીઓમાં જનભાગીદારીથી પેવિંગ બ્લોક ફીટ કરવા તથા કોર્પોરેશનના અલગ-અલગ કર્મચારીઓને તબીબી આર્થિક સહાય ચૂકવવા ઉપરાંત શહેરના જુદા-જુદા વિસ્તારમાં મિયાંવાંકી પધ્ધતિથી થીમ ફોરેસ્ટ બનાવવાનો અને ખૂલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ માટેનો કોન્ટ્રાક્ટ સહિતની 41 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.