પાણી વેરો અને મિલકત વેરો યથાવત: ખુલ્લા પ્લોટના ચાર્જમાં વધારો કરાયો
જુનાગઢ મનપાની સ્થાયી સમિતિએ ગઇકાલે રૂ.384.99 કરોડનું અંદાજિત બજેટ મંજૂર કરી, જનરલ બોર્ડ ને રજુ કરેલ છે આ અંદાજ પત્રમાં કેપિટલ આંકનો અંદાજ 242.90 કરોડ છે અને જ્યારે અંદાજે કુલ ખર્ચ 384.32 કરોડ અને વર્ષાંતે પુરાત સિલિક 62.30 લાખ રહેશે તેવું સૂચવવામાં આવ્યું છેે. જુનાગઢ મનપા કમિશનર દ્વારા સુચવેલ 2021/21 નાણાકીય બજેટ રૂ.384.99 કરોડનો અંદાજ મુકેલ જેમાં કર અને દર તથા ખર્ચમાં થયેલા ફેરફારો સાથે સુધારા બજેટ રૂપિયા 384.94 કરોડનું વિકાસલક્ષી બજેટ સ્થાયી સમિતિએ મંજૂર કરી જનરલ બોર્ડ તરફ ગઇકાલે રજૂ કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિએ સુધારા સાથે મંજુર કરેલ બજેટ અંગે જોઈએ તો આ બજેટની ખુલતી સિલિક બજેટ રકમ રૂ. 91.10 કરોડ હતી, તથા રેવન્યુ આંકનો કુલ અંદાજ રૂ. 141.49 કરોડ છે, કેપિટલ આવકનું કુલ અંદાજ રૂ. 242.90 કરોડ છે, આવકનો કુલ અંદાજ રૂ. 384.94 કરોડ અંદાજવામાં આવેલ છે, જ્યારે રેવન્યુ ખર્ચ રૂ. 141.47 કરોડ છે, કેપીટલ ખર્ચ રૂ.242.85 કરોડ છે, કુલ અંદાજે રૂ. 384.32 કરોડ છે જેથી વર્ષાંતે પુરાંત સિલિકા રૂ.62.30 લાખ રહેશે.
ગઇકાલે સ્થાયી સમિતિએ મંજૂર કરેલા બજેટમાં ઘરવેરાના ફેક્ટર તથા બિન રહેણાંકમાં કોઇપણ પ્રકારનો વેરો વધારો કરવામાં આવેલ નથી તથા મહાનગરમાં ખુલ્લા પ્લોટ પર કમિશ્નરે રૂપિયા 10 વસૂલવાની ભલામણ કરી હતી જેને બદલે રૂ. 4 ચાર્જ યથાવત રાખવામાં આવેલ છે, આ સિવાય ઘરવપરાશના પાણીના કનેક્શનમાં કોઈપણ પ્રકારનો વેરા વધારો કરવામાં આવેલ નથી, આ ઉપરાંત સફાઈ કર, દિવાબતી કર, યુઝર્સ ચાર્જ, ફાયર સેફ્ટી, ટાઉનહોલ ભાડા કે મહાનગરપાલિકાની મિલકતના ભાડામાં કે ટ્રાન્સફર ફી માં પણ કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવેલ નથી.
આ સિવાય સ્થાયી સમિતિ એ મંજૂર કરેલા બજેટમાં જૂનાગઢ મહાનગરમાં નરસિંહ મહેતા સરોવર બ્યુટીફીકેશન માટે રૂ 20 કરોડની જોગવાઇ કરેલ છે, જોષીપરા રેલવે ફાટક તથા બસ સ્ટેન્ડ પાસે ઓવરબ્રિજ બનાવવા ના રૂ. 125 કરોડની જોગવાઇ કરેલ છે, ખામધ્રોળ સુભાષ કોલેજ ફાટક પાસે ખામધ્રોલ રોડ રેલવે ક્રોસિંગ 1000 મી.મી. ડાયામીટર નવી પાઈપલાઈનનું કામ માટે રૂ 78 લાખની જોગવાઈ કરેલ છે, દામોદર કુંડ સામેના રસ્તા પર બોક્સ કલવર્ટ બનાવવા માટે રૂ. 1.91 કરોડની જોગવાઇ કરેલ છે, ગ્રીન જુનાગઢ માટે જુદા જુદા વોર્ડ તથા સર્કલ ડેવલોપમેન્ટ કરવા માટે રૂપિયા 74 લાખની જોગવાઈ કરેલ છે નવા ફાયર સ્ટેશન માટે રૂ 1.29 કરોડની જોગવાઇ કરેલ છે.
આ ઉપરાંત જૂનાગઢ મહાનગર ના 12 વોર્ડમાં વોટર સપ્લાય પ્રોજેક્ટ માટે રૂ. 42 કરોડના ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે જેનાથી 2.90 લાખ લોકોને પૂરતા ફોર્સથી શુદ્ધ પાણી પીવાનું પાણી મળી રહેશે જ્યારે 50 સ્વચ્છ શહેરોમાં જૂનાગઢને સ્થાન મળે તે માટે જૂનાગઢ મહાનગર માં સઘન સફાઇ વ્યવસ્થા બનાવવા ખરીદી કરાઈ છે અને મહાનગરના સ્વચ્છતા સહાય જૂથ પાસેથી એક વર્ષ માટે સફાઈ કામગીરી કરવા 300 માણસોની મંજૂરી આપવામાં આવી છે.