રાજય સરકારે ફાળવેલી ગ્રાન્ટમાંથી ત્રણેય ઝોનનાં રસ્તા રીપેર કરાશે: ૧૩.૬૮ ટકા ડાઉન સાથે કલાસીક નેટવર્ક પ્રા.લી.ને કોન્ટ્રાકટ અપાયો: સ્ટેન્ડિંગમાં ૧૨૭.૭૬ કરોડનાં વિકાસ કામોને બહાલી
ચોમાસાની સીઝનમાં શહેરમાં પડેલા રેકોર્ડબ્રેક વરસાદનાં કારણે રાજમાર્ગોને પારાવાર નુકસાની થવા પામી છે. રસ્તા રીપેર માટે રાજય સરકાર દ્વારા ૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આજે મહાપાલિકામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ત્રણેય ઝોન વિસ્તારમાં ચોમાસામાં જે રસ્તાને નુકસાની થઈ છે તેને રીપેર કરવા માટે રૂ.૨૫ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. ૧૩.૬૮ ટકા ઓછા ભાવ સાથે કોન્ટ્રાકટ કલાસીક નેટવર્ક પ્રા.લી.ને આપવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.૧૨૭.૭૬ કરોડનાં વિકાસ કામોને મંજુરીની મહોર મારવામાં આવી છે. ૩૦ રેગ્યુલર દરખાસ્ત ઉપરાંત ૩ અરજન્ટ બિઝનેસ દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી છે. શહેરનાં હોસ્પિટલ ચોકમાં થ્રી આર્મ ફલાય ઓવરબ્રિજ બનાવવા માટે રૂ.૮૪.૭૧ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. આ કામનું આગામી શનિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત ચોમાસાની સીઝનમાં શહેરનાં સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોનનાં રસ્તાઓનાં થયેલા નુકસાન બાદ રીપેરીંગ માટે રૂ.૨૫ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. નાકરાવાડી ડમ્પ સાઈટ ખાતે જમા થયેલા લાખો મેટ્રીક ટન કચરા પૈકી ૪ લાખ મેટ્રીક ટન કચરાનું પ્રોસેસીંગ કરવા ૮.૯૬ લાખનો ખર્ચ મંજુર કરાયો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૦ અન્વયે મહાપાલિકા વોટર પ્લસ પ્લસ સર્ટીફીકેટ મેળવવા માટે જરૂરી પ્રક્રિયા કરવાની કામગીરીને પણ મંજુરીની મહોર મારવામાં આવી છે.
નાકરાવાડીમાં ૪ લાખ મેટ્રીક ટન કચરાનું પ્રોસેસીંગ કરાશે
એનટીજી અને પોલ્યુશન બોર્ડ દ્વારા મળેલા આદેશનાં પગલે મહાપાલિકા દ્વારા નાકરાવાડી લેન્ડફિલ સાઈટ ખાતે ૨૦૧૩થી જમા થયેલા લાખો મેટ્રીક ટન કચરાનું પ્રોસેસીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ તબકકે ૪ લાખ મેટ્રીક કચરાનું પ્રોસેસીંગ કરવા માટે આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.૮.૯૬ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. આ કામ જય વચ્છરાજ અને એબેલોન કલીન એનર્જી એજન્સીને સોંપવામાં આવ્યું છે. જેમાં પ્રતિ મેટીક ટન કચરાનાં પ્રોસેસીંગ માટે રૂ.૨૨૪ ચુકવવામાં આવશે. કચરાને ટ્રોમીલ મશીન દ્વારા પ્રોસેસીંગ કરવામાં આવશે જેમાંથી બળતણ, ઓર્ગેનીક વેસ્ટ અને બાંધકામ વેસ્ટ અલગ કર્યા બાદ જે કચરો વધશે તેનું લેન્ડફીલ સાઈટ ખાતે ફિલીંગ કરી દેવામાં આવશે.