સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ હાલ હોસ્પિટલમાં દાખલ હોય અન્ય સભ્યો બજેટને આજે આખરીઓપ આપશે
મ્યુનિ.કમિશનરે સુચવેલા કરબોજમાં રાહતની સંભાવના
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું રૂ.૨૦૫૭.૪૨ કરોડનું બજેટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા ગત ૩૦મી જાન્યુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રજુ કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટવાસીઓ પર રૂ.૧૬.૫૦ કરોડનો બોજ લાદવામાં આવ્યો છે જોકે બજેટની ગણતરીની જ કલાકોમાં સ્ટેન્ડિંગ કમિટીએ વોટર ચાર્જ રદ કરવાની જાહેરાત કરી શહેરીજનોને ૫ કરોડની રાહત આપી દીધી છે. દરમિયાન આગામી સોમવારના રોજ સ્ટેન્ડિંગ કમિટી બજેટને મંજુરીની મહોર મારશે અને ૧૯મીના રોજ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં બજેટને આખરી મંજુરી અપાશે. સ્ટેન્ડિંગ કમિટી બજેટમાં અનેકવિધ નવી યોજનાઓની જાહેરાત કરે તેવી પણ સંભાવના હાલ જણાઈ રહી છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા ગત ૩૦મી જાન્યુઆરીના રોજ મહાપાલિકાનું રૂ.૨૦૫૭.૪૨ કરોડનું બજેટ રજુ કર્યું હતું જેમાં વોટર ચાર્જ, વાહન વેરામાં વધારો, ડ્રેનેજ ચાર્જ અને કન્ઝર્વન્સી ચાર્જમાં વધારો સુચવી રાજકોટવાસીઓ પર રૂ.૧૬.૫૦ કરોડનો બોજ લાદયો હતો. નળજોડાણ ન હોય તેવી મિલકતો પાસેથી પણ વોટર ચાર્જ વસુલવાનું સુચવવામાં આવ્યું હતું. આ નિર્ણયને સ્ટેન્ડિંગ કમિટીએ ગણતરીની કલાકોમાં જ ફગાવી દીધો હતો. સામાન્ય રીતે મ્યુનિસિપલ કમિશનર બજેટ રજુ કરે તેના પર સ્ટેન્ડિંગ કમિટી સતત એક સપ્તાહ સુધી અભ્યાસ અને સમીક્ષા કર્યા બાદ બજેટમાં યોજનાઓ મુકીને આખરી મંજુરી આપતી હોય છે પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ છેલ્લા ચારેક દિવસથી બિમાર છે અને હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જેના કારણે બજેટની સમીક્ષા પુરી થઈ નથી. આજે બપોરે સ્ટેન્ડિંગ કમિટીના અન્ય સભ્યો બજેટની સમીક્ષા માટે બેસશે અને શુક્રવારે ભાજપના કોર્પોરેટરોની એક સંકલન બેઠક બોલાવી બજેટને આખરી ઓપ આપી દેવામાં આવશે. સંભવત: સોમવારના રોજ સ્ટેન્ડિંગ કમિટી બજેટને બહાલી આપી દેશે જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ અનેકવિધ નવી યોજનાઓની જાહેરાત કરે અને શહેરીજનોને કરબોજમાં પણ રાહત આપે તેવી સંભાવના જણાઈ રહી છે. બજેટ મંજુર કરવા માટે મહાપાલિકામાં ૧૯ ફેબ્રુઆરીના રોજ જનરલ બોર્ડની બેઠક મળે તેવી શકયતા જણાઈ રહી છે.
બીપીએમસી એકટના નિયમ મુજબ ૨૦મી ફેબ્રુઆરી સુધીમાં બજેટને જનરલ બોર્ડમાં મંજુર કરી રાજય સરકારમાં મોકલી દેવાનું રહે છે. જેના કારણે સ્ટેન્ડિંગ ચેરમેન બિમાર હોવા છતાં તેઓની ગેરહાજરીમાં સમિતિના અન્ય સભ્યો બજેટને આખરીઓપ આપશે અને સોમવારે મંજુર પણ કરી દેશે.