ડામર કામ શરૂ કરવાની ફાઈલ પર હજુય કમિશ્નરે સહી જ કરી નથી, સહી કરવામાં હજી બે દિવસ નીકળી જશે, કામ ક્યારે શરૂ થશે તે નક્કી નથી: વિપક્ષી નેતા
મેઘરાજાએ મહેર વરસાતા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા તમામ ડેમો ઓવરફ્લો થયેલા છે ત્યારે શહેરમાં ૧ એપ્રિલ થી શરુ કરવાની થતી પ્રીમોન્સૂન કામગીરી કરવામાં મ્યુનિસિપલ કમિશ્નર અને તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યા છે જયારે પ્રથમ વરસાદ આવતા જ રાજકોટ શહેરમાં ઠેર-ઠેર ખાડા, ખાબોચિયા, ગટરો ઉભરાવી, વૃક્ષો જમીનદોસ્ત થવા તેમજ ગંદકી થવી વગેરે જેવી તમામ બાબતોની પોલ મેઘરાજાએ માત્ર એક સામાન્ય વરસાદમાં ખોલી નાખી હતી અને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો હતો.તેમ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગથિયાએ જણાવ્યું છે.
તેઓએ ઉમેર્યું છે કે, મ્યુનિસિપલ તંત્રએ ડ્યુરીંગ મોન્સુન એક્શન પ્લાન જાહેર કરવો જોઈએ તેની બદલે મ્યુની.તંત્રએ હજુય જાહેર કર્યો નથી તેમજ શહેરમાં વરસાદ આવતા ઠેર-ઠેર પાણી ભરાઈ જવા, ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર વાહન ન ચાલે તેટલું પાણી ભરાવું, ગંદકી, વૃક્ષો જમીનદોસ્ત થવા, કરોડો રૂપિયાના ખર્ચે ગેરેંટી વાળા રોડ રસ્તાઓ તૂટી જવા જેવી સ્થિતિઓમાં મનપાનો ભ્રષ્ટાચાર મેઘરાજા ખુલ્લો પાડ્યો છે.
ગત ૧૧મીના રોજ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી કે તા.૧૬થી શહેરના રસ્તા સફાઈ કામ શરુ થઇ જશે અને તા.૨૧થી ડામર કામો શરુ થઇ જશે અને રાજકોટ શહેરના રોડ-રસ્તામાં કરોડોનું નુકશાન થયેલુ છે તેમજ શહેરના માર્ગો ઉપર ફૂટ-ફૂટના ખાડાઓ પડી ગયા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા રોડ-રસ્તા બનાવવા માટે ૫૭ કરોડના પેકેજ સાથેના એક્શનપ્લાનના કામો શરુ કરવા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેને જાહેરાત કરેલ હતી તેમજ ગત તા.૨૦ના રોજ શહેરમાં વરસાદ પડ્યો હતો અને તા.૨૧,૨૨ અને ૨૩માં વરસાદ પડ્યો નથી તો શા માટે રસ્તા કામો શરુ કરાયા નથી ?તેવો સવાલ વિપક્ષી નેતા વશરામ સાગથિયાએ ઉઠાવ્યો છે.
કોંગ્રેસના કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પ્રશ્નો પણ મુકેલા છે અને મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ગોળગોળ જવાબો આપવામાં આવ્યા છે ત્યારે શહેરમાં સામાન્ય વરસાદમાં જ જો રસ્તાઓ તૂટી જાય અને ખાડા પાડવા માંડે તે ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે કે મનપાના કોન્ટ્રાક્ટરો અને ઈજનેરોની મીલીભગત છે અને મેઘરાજાએ પોલ ખુલ્લી પાડી છે તેમજ ભાજપના શાસકોએ છેલ્લા છ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૧૯-૨૦ સુધીના કામોમાંથી માત્ર ૩૦ % જ કામો થયેલા છે તેમજ ચુંટણી આવી એટલે નવી નવી જાહેરાતો કરીને ભાજપે પ્રજાને માત્ર સપનાઓ જ દેખાડ્યા છે તેમજ પ્રજા પાસેથી મત મેળવવા માટે અવનવા પ્રલોભનો અને લલચામણી જાહેરાતો સિવાય ભાજપ પાસે હવે કાઈ બચ્યું જ નથી અને માત્ર પેપર ટાઈગર થવામાં ભાજપના નેતાઓની પ્રસિદ્ધી ભુખ સંતોષાઈ નથી ત્યારે વશરામભાઈએ જણાવ્યું છે કે રાજકોટની પ્રજા હવે ભાજપનો અસલી ચહેરો ઓળખી ગઈ છે.