સર્વર ઠપ્પ હોવાથી ફરિયાદ મળતા સ્ટે.ચેરમેનના સરપ્રાઈઝ ચેકિંગથી સ્ટાફમાં અફડા-તફડી
મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના સિવીક સેન્ટરમાં સર્વર ઠપ્પ થઈ ગયું હોવાની અને આધારકાર્ડ કેન્દ્રોમાં લાંબી લાઈનો હોવાની ફરિયાદ મળતા આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે સિવીક સેન્ટર અને આધાર કેન્દ્રમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા સ્ટાફમાં ભારે અફડા તફડી મચી જવા પામી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ કચેરીએ આવતી સાથે જ સરપ્રાઈઝ ચેકિંગનો દૌર શરૂ કર્યો હતો. તેઓએ સૌપ્રથમ હેલ્પ ડેસ્ક પર ચેકિંગ કર્યું હતું જયાં બે ને બદલે એક જ વ્યકિત નજરે પડતા તાત્કાલિક અસકથી બીજા વ્યકિતને મુકાવ્યો હતો ત્યારબાદ તેઓ સિવીક સેન્ટરમાં ત્રાટકયા હતા અહીં સર્વર ઠપ્પ હોવાના કારણે મોટાભાગનો સ્ટાફ ગેમ રમતો અને વાતુના વડા કરતો જોવા મળ્યો હતો. આ અંગે તેઓએ તાત્કાલિક ઝોનના ડીએમસીને જાણ કરતા ડીએમસી ચેતન નંદાણી સિવિક સેન્ટરમાં દોડી આવ્યા હતા. ચેરમેને આધાર કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. અહીં લોકોની લાંબી કતારો જોવા મળતા કિટ વધારવા માટે તાકીદ કરી હતી.