વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતાના ડરે છ અરજન્ટ બિઝનેસ દરખાસ્ત પણ મૂકી દેવાઇ
રાજકોટ મહાનગર પાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં છ અરજન્ટ બિઝનેસ દરખાસ્ત સહિત તમામ 115 દરખાસ્તોને મંજૂરીની મહોર મારી રૂ.80 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં આવે અને વિકાસ કામો પર કોઇ અસર ન પડે તે માટે તમામ દરખાસ્તોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં છ અરજન્ટ બિઝનેસ દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ ઉપરાંત એજન્ડાની મુખ્ય 109 સહિત તમામ 115 દરખાસ્તોને બહાલી આપી રૂ.79.65 કરોડના વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી. જેમાં ડીઆઇ પાઇપલાઇનના કામો માટે રૂ.10.71 કરોડ, નવી વોર્ડ ઓફિસો બનાવવા માટે રૂ.56 લાખ, કમ્પાઉન્ડ હોલ માટે 95 લાખ, સીસીના કામ માટે રૂ.35.64 લાખ, ત્રણેય ઝોનના ડામર એક્શન પ્લાન સહિત વિવિધ રસ્તા કામ માટે રૂ.40.34 કરોડ, પેવિંગ બ્લોકના કામ માટે રૂ.75.76 લાખ, વોટર વર્ક્સના કામ માટે રૂ.9.66 કરોડ, નવા બગીચા અને બાલ ક્રિડાંગણ બનાવવા રૂ.3.15 કરોડ, કોમ્યુનિટી હોલના રિનોવેશન માટે 17.35 લાખ, નવી આંગણવાડીના નિર્માણ માટે 45.31 લાખ, આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે 97 લાખ, ભૂગર્ભ ગટરના કામ માટે રૂ.7.72 કરોડ, ફૂટપાથના કામ માટે રૂ.1.09 કરોડ અને પાઇપ ગટરના કામ માટે રૂ.54 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે જ્યારે ક્રિકેટ પીચ ભાડે આપવાથી, ફૂડકોર્ટ નિર્માણ કરવાથી, કિયોસ્ક બોર્ડ અને હોર્ડિંગ્સ બોર્ડનો કોન્ટ્રાક્ટ આપવાથી, 13 ટ્રાફીક સર્કલ જનભાગીદારીથી ડેવલપ કરવાથી અને આવાસ યોજનામાં બનાવવામાં આવેલી દુકાનોના વેચાણથી રૂ.20 કરોડની આવક થશે.
- લક્ષ્મીનગર બ્રિજથી ભક્તિનગર સ્ટેશન સુધીનો રસ્તો 15 મીટર પહોળો કરાયો
- કપાતમાં ગયેલા રસ્તા પર ડામર કરવા અને રેલવેને નવી કમ્પાઉન્ડ હોલ બનાવી આપવા રૂ.2 કરોડનો ખર્ચ મંજૂર
જૂના અને નવા રાજકોટને જોડતા એવા લક્ષ્મીનગરના નાલા પર કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અન્ડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રિજને લાગૂ અલગ-અલગ રસ્તાઓ પહોળા કરવા માટે લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ દાખલ કરાયા બાદ બ્રિજથી ભક્તિનગર સ્ટેશન પ્લોટ સર્કલ સુધીનો 520 રનિંગ મીટરનો રસ્તો 9 મીટરથી પહોળો કરી 24 મીટરનો કરવામાં આવ્યો છે. કપાત સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ હવે આ રસ્તા
પર ડામર કરવા અને રેલવેને નવી કમ્પાઉન્ડ હોલ બનાવી આપવા રૂ.1.95 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. લક્ષ્મીનગર બ્રિજથી ભક્તિનગર સ્ટેશનનો 520 મીટરનો રોડ કપાતમાં લેવામાં આવ્યો છે. તમામ જમીન રેલવેની હોવાના કારણે કોઇ મુશ્કેલી પડી ન હતી. દરમિયાન બ્રિજની બીજી તરફ મોદી સ્કૂલથી એવીપીટી કોલેજ સુધીનો રસ્તો પણ આગામી દિવસોમાં પહોળો કરવામાં આવશે.