ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના આજે બીજા દિવસે એકમાત્ર ધોરણ ૧૨ કોમર્સમાં તત્વજ્ઞાનનું પેપર લેવામાં આવશે. જ્યારે ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સમાં આજે રજા હોય વિદ્યાર્થીઓ આગળના પેપરની તૈયારી કરી શકશે.
બોર્ડની પરીક્ષામાં ગઇકાલે શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયા બાદ આજે બીજા દિવસે મોટે ભાગે પરીક્ષા કેન્દ્રોમાં રજાનો માહોલ જોવા મળ્યો છે. સવારના સેશનમાં ધો.૧૦ની પરીક્ષાઓ લેવાઇ રહી છે .જ્યારે બપોર બાદ ધો.૧૨ સાયન્સ અને કોમર્સની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં આજે એકમાત્ર ધો.૧૨ કોમર્સનું તત્વજ્ઞાનનું પેપર લેવામાં આવશે. જ્યારે સવારના સેશનમાં ધો.૧૦માં અને બપોરે ધો.૧૨ સાયન્સમાં આજે કોઇ પેપર ન હોવાથી રજાનો માહોલ છવાયો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગઇકાલે ધો.૧૦માં ગુજરાતીનું પેપર જ્યારે ધો.૧૨ કોમર્સમાં નામાના મૂળતત્વો અને સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનનું પ્રશ્ર્નપત્ર શાંતિપૂર્ણ માહોલમાં લેવાયુ હતું. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ધો.૧૦ અને ૧૨ના પ્રશ્ર્નપત્ર એકંદરે સરળ અને પાઠ્યપુસ્તક આધારિત પુછાતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઇ હતી.
જ્યારે ગઇકાલે ધો.૧૨ કોમર્સમાં બપોરના સેશનમાં નામાના મૂળતત્વોનું પ્રશ્ર્નપત્ર સોશિયલ મીડીયામાં વાયરલ થઇ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુંઝાયા હતા. પરંતુ આ પ્રશ્ર્નપત્ર ડમી હોવાનું સાબિત થતા વિદ્યાર્થીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે રાજયભરમાં માત્ર છ કોપીકેસ નોંધાયા હતા. મોટાભાગના પ્રશ્ર્નપત્ર વચ્ચે રજા રાખવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓને આગળના પેપરનુ રીવિઝન કરવા માટે પુરતો સમય મળી રહેશે.
આજે એકમાત્ર ધો.૧૨ કોમર્સમાં બપોરે ૩.૦૦ થી ૬.૧૦ દરમ્યાન તત્વજ્ઞાનનું પ્રશ્ર્નપત્ર લેવામાં આવશે. જ્યારે ધો.૧૦ અને ૧૨ સાયન્સમાં આજે રજા રાખવામાં આવી છે.