નાના મવા રોડ પર ખાણીપીણીની 22 દુકાનોમાં ચેકીંગ: 33 કિલો અખાદ્ય ખોરાકનો નાશ, 6 પેઢીઓને નોટિસ
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના નાનામવા સર્કલથી મોકાજી સર્કલ સુધીના વિસ્તારમાં ખાણીપીણીની 22 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 33 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. મેંગો ચીલ્લી રેસ્ટોરન્ટ અને પરિશ્રમ ગાર્ડન રેસ્ટોરન્ટ સહિતના નામી રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો.
મેંગો ચીલ્લી રેસ્ટોરન્ટમાં ચેકીંગ દરમિયાન વાસી, અખાદ્ય પ્રિપેડ ફૂડ તથા શાકભાજીનો કુલ 22 કિલો જથ્થાનો સ્થળ પર નાશ કરી રેસ્ટોરન્ટના માલિકને સ્ટોરેજ અને હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા માટે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે પરિશ્રમ ગાર્ડન રેસ્ટોરન્ટમાંથી સાત કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો.
હિર સાઉથ ઇન્ડીયન અને પંજાબી કોર્નરમાંથી ચાર કિલો વાસી ખોરાક મળી આવતા તેનો નાશ કરી હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા માટે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે ચામુંડા રસ સેન્ટર, ક્રિષ્ના રસ સેન્ટર, જલારામ રસ સેન્ટર, પટેલ પેંડાવાલા, કભીભી બેકરી એન્ડ પેસ્ટ્રી, મોન્જીનીસ કેક શોપ, વૃંદાવન ડેરી ફાર્મ, સેલ પોઇન્ટ સુપર માર્કેટ, પટેલ ગાંઠીયા, ઋત્વી પ્રોવિજન સ્ટોર્સ, સ્વાદ પાર્સલ પોઇન્ટ, રાધે પ્રોવિઝન સ્ટોર્સ, ગણેશ પ્રોવિઝન સ્ટોર્સ, કનૈયા અમૂલ પાર્લર, ગંગોત્રી ડેરી, સહજાનંદ અમૂલ પાર્લર, પટેલ કેન્ડી, બાલાજી ડ્રાયફ્રૂટ એન્ડ કેન્ડી, ધ આઇસ વિલામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.6 વેપારીઓને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી છે.
બે મસાલા માર્કેટ અને એક સ્કૂલને ફાયર એનઓસીની નોટિસ
ફાયર બ્રિગેડ શાખા દ્વારા આજે નાનામવા રોડ પર બાર હાઇરાઇઝ બિલ્ડીંગ, આઠ કોમર્શિયલ બિલ્ડીંગ, ત્રણ સ્કૂલ, બે હોટેલ, પાંચ હોસ્પિટલ, બે મસાલા માર્કેટ સહિત કુલ 36 જગ્યાએ ફાયર એનઓસી અંગે ચકાસણી કરવામાં આવી હતી. જે અંતર્ગત હાઇરાઇઝ રોયલ સેલ્ટર, બેકબોન હાઇટ્સ, અલય ટાવર, હરિદ્વાર હાઇટ્સ, ગોલ્ડ પ્લસ, અર્વન એપાર્ટમેન્ટ, હેવલોક ટાવર્સ, મેટ્રીક્સ, ધ વૃંદાવન બિલ્ડીંગને ફાયર એનઓસી રિન્યૂ કરાવવા માટે જ્યારે ક્ધટ્રી હેડ પ્રિ સ્કૂલ, શ્રીરામ મસાલા માર્કેટ અને ઉમિયા મસાલા માર્કેટને ફાયર એનઓસી મેળવવા માટે નોટિસ આપવામાં આવી હતી.
પ્રતિબંધિત પ્લાસ્ટીક રાખવા બદલ 28 વેપારીઓ દંડાયા
નાનામવા રોડ પર હાથ ધરવામાં આવેલા ચેકીંગ અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા સબબ અને ગંદકી કરવા સબબ 28 આસામીઓ પાસેથી રૂ.14,250 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી લેવામાં આવ્યું હતું. આરોગ્ય શાખા દ્વારા મોબાઇલ વાન મારફત 39 વ્યક્તિઓના બ્લડ સુગર અને 30 વ્યક્તિઓના બ્લડ પ્રેશર ચેક કરાયા હતાં. 16 વ્યક્તિઓના આરટીપીસીઆર અને 14 વ્યક્તિઓના એન્ટીજન સેમ્પલ લેવામાં આવ્યા હતાં.