ભાગ્યોદય અનાજ ભંડારમાંથી વિદુર ગાયનું ઘી અને જલારામ બેકર્સમાંથી રાજભોગ કૂકીઝના નમૂના લેવાયા
કોર્પોરેશનની આરોગ્ય શાખાને મળેલી ફરિયાદના આધારે શહેરના રૈયા રોડ પર આવેલી કિરણ ડ્રાયફૂટ્સ નામની પેઢી અને નાણાવટી ચોકમાં જાસલ બિલ્ડીંગ પાછળ રૂદ્રમ બેકરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. બંને સ્થળોએથી નવ કિલો જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો.
રૈયા રોડ પર કિરણ ડ્રાયફૂટ્સમાં ચેકીંગ દરમ્યાન 2.5 કિલો એક્સપાયર થયેલો વાસી ડ્રાયફ્રૂટ્સ ચેવડો, 2.5 કિલો ચોકલેટ કાજુ, ચોકલેટ બદામ અને એક કિલો જેલી સહિત 6 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. સ્ટોરેજ સંદર્ભે નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત નાણાવટી ચોકમાં જાસલ બિલ્ડીંગ પાછળ રૂદ્રમ બેકરીમાં તપાસ દરમિયાન 3 કિલો વાસી પફનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો હતો અને હાઇજેનીંક ક્ધડીકશન જાળવી રાખવા માટે નોટિસ આપવામાં આવી છે.
આ ઉપરાંત આજે ગુદાવાદી શાક માર્કેટમાં અરિહંત બિઝનેસ સેન્ટરમાં આવેલા ભાગ્યોદય અનાજ ભંડારમાંથી વિદૂર ગાયનું ઘી અને સિંધી કોલોની મેઇન રોડ પર જુલેલાલ મંદિરની બાજુમાં જલારામ બેકર્સમાંથી રાજભોગ કૂકીઝનો નમૂનો લેવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન સાથે માંડા ડુગર, આજી ડેમ ચોકડી, ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાં ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મવડી મેઇન રોડ, બાપા સીતારામ ચોકમાં પણ 20 દુકાનોમાં ચેકીંગ દરમિયાન 8 ધંધાર્થીઓને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી છે.