મવડી મેઇન રોડ પર ખાણીપીણીની 50 દુકાનોમાં કોર્પોરેશનનું ચેકીંગ, આઠ કિલો અખાદ્ય ખોરાકનો નાશ: 12ને નોટિસ

વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના મવડી મેઇન રોડ પર ખાણીપીણીની 50 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આઠ કિલો વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો અને 12 આસામીઓને ફૂડ લાઇસન્સ મેળવવા તથા હાઇજેનીંક ક્ધડીશન રાખવા માટે નોટિસ આપવામાં આવી હતી.

મવડી મેઇન રોડ પર ધર્મરાજ વડાપાંઉમાં ચેકીંગ દરમિયાન ત્રણ કિલો વાસી મીઠી ચટણી અને ત્રણ કિલો વાસી ફરસાણનો જથ્થો મળી આવ્યો હતો. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને પેઢીને હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત પટેલ ફાસ્ટ ફૂડમાં ચેકીંગ દરમિયાન બે કિલો વાસી ચટ્ટણી મળી આવી હતી.

જેનો પણ સ્થળ પર નાશ કરી લાઇસન્સ મેળવવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત નંદકિશોર ડેરી ફાર્મ, જ્યોતિ સેલ્સ એજન્સી , મયુર પાન, મુરલીધર રસ સેન્ટર, મહેતા રસ સેન્ટર, જય વાડીનાથ ડિલક્ષ પાન, ખોડિયાર ડાઇનીંગ હોલ, ગુરૂદેવ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, જય જોગમાયા પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, ગુરૂદેવ પાન, ગોપાલ પ્રોવિઝન સ્ટોર્સ સહિત કુલ 12 પેઢીઓને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી.

આ ઉપરાંત કોઠારીયા રોડ પર પાણીના ટાંકાની સામે હાપલીયા પાર્ક નજીક આવેલા જય ખોડીયાર પાર્ક શેરી નં.3માં આવેલી માધવ ડેરી ફાર્મમાંથી લૂઝ મલાઇનો નમૂનો લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. એક સાથે આરોગ્ય શાખાનો કાફલો ત્રાટક્યો હતો અને અલગ-અલગ 50 સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.